કેશોદ તાલુકાના કેવદ્રા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 26 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી છે.
.
મૃતક કોમલના ભાઈ સચિને કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બે વર્ષ પહેલા કોમલના લગ્ન દિવ્યેશ બારીયા સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદથી દિવ્યેશ કોમલને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.
વધુમાં, દિવ્યેશના અન્ય મહિલા સાથે આડા સંબંધો હોવાની વાત પણ સામે આવી હતી. કોમલે આ અંગે તેના પરિવારને જાણ કરી હતી. થોડા દિવસો પહેલા કોમલના પરિવારે દિવ્યેશને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ દિવ્યેશે કોઈ સુધારો કર્યો નહીં. ઊલટાનું તે કોમલને કામ ન આવડવા જેવા આક્ષેપો કરી વધુ ત્રાસ આપતો હતો. આ પરિસ્થિતિથી કંટાળીને કોમલે બપોરના સમયે આત્મહત્યા કરી લીધી.

કેશોદ ડીવાયએસપી બી.સી. ઠક્કરના જણાવ્યા અનુસાર, પોલીસે આપઘાત માટે મજબૂર કરવાનો ગુનો નોંધ્યો છે. દિવ્યેશ બારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.