આજે પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે
.
આજે સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થશે. ત્યારે પતંગરસિકો માટે સારા સમાચાર છે. આજે પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે. માટે પતંગ ચગાવવા માટે ઠૂમકા નહિ મારવા પડે. માટે પતંગરસિકોને મજા પડી જશે.
અમિત શાહ અમદાવાદમાં ઉજવશે ઉત્તરાયણ
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10:45 વાગ્યે અમદાવાદમાં શાંતિ નિકેતન એપાર્ટમેન્ટમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવશે. જે બાદ તેઓ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન અને પોલીસ આવાસ યોજનાના 920 મકાનોનું ખાતમુહુર્ત કરશે. આ કાર્યક્રમ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી ભગવાન જગન્નાથના દર્શન કરવા અને પૂજા કરવા જશે. બપોર પછી તેઓ રાણીપના આર્યવિલા એપાર્ટમેન્ટ રહીશો સાથેના પતંગોત્સવમાં ભાગ લેશે. ત્યાંથી તેઓ સાબરમતી વોર્ડના અર્હમ ફ્લેટના રહીશો સાથેના પતંગોત્સવમાં સામેલ થશે.
ઉત્તરાયણને લઈ ઈમરજન્સી સેવા સજ્જ
આજે ઈમરજન્સી ઘટનાને પહોંચી વળવા 108, ફાયર તેમજ વિવિધ NGOની ટીમો 24 કલાક ખડેપગે રહેશે. ઘાયલ પશુ-પક્ષી માટે કુલ 87 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ છે. 1962 એમ્બ્યુલન્સ કરુણા અભિયાનનો નંબર છે. 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલશે. ઉત્તરાયણને લઈ રાજકોટ સિવિલમાં 20 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરાયો છે.
ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ ત્રણ લોકોના ગળા કપાયા
ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગની દોરીથી ત્રણ લોકોના ગળા કપાયા. સુરતમાં બાઈક પર જઈ રહેલા માતા-પુત્રમાંથી પુત્રને ગળાના ભાગે જ્યારે માતાને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી. જ્યારે સુરતમાં એક સિક્યોરિટી ગાર્ડનું પણ ગળુ કપાયું. રાજકોટમાં પણ બાઈક લઈને જઈ રહેલા યુવકનું ગળુ કપાયુ હતુ. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
લેટરકાંડ મુદ્દે ધાનાણીના સરકાર પર પ્રહાર
અમરેલી લેટરકાંડ મામલે કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ધાનાણીએ કહ્યું, આ મામલામાં નાની માછલીઓને મારી મગરમચ્છોને છોડી દેવાના પ્રયાસ થઈ રહ્યા છે. લેટરકાંડમાં સંડોવાયેલા લોકોનો નાર્કો ટેસ્ટ કરવાની માગ કરી. ઉપરાંત ભાજપના લોકો જ આ ષડયંત્રમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો.
હિટ એન્ડ રનની ઘટનામાં 3ના લોકોના મોત નિપજ્યા
આણંદમાં હિટ એન્ડ રનની ઘટનામાં 3ના મોત નિપજ્યા. પણસોરા નજીક અજાણ્યા વાહને બાઈકને પાછળથી ટક્કર મારતાં 2ના ઘટના સ્થળે જ જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. અકસ્માત સર્જનાર વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.
પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીને રહેંસી નાખી
મહેસાણાના સતલાસણાના નવાવાસ રાજપુર ગામે પતિએ કુહાડી ઘા ઝીંકી પત્નીની હત્યા કરી નાખી. અને પછી પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. માહિતી મુજબ દંપતી વહેલી સવારે ખેતર ગયા ત્યારે બંને વચ્ચે કોઈ વાતને લઈને ઘગડો થયો હતો.