(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
આવતીકાલથી શરૃ થતાં નવા નાણાંકીય વર્ષથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે દેશના અને ગુજરાતના સરકારે ટોલટેક્સમાં વધારો કરીને રાજ્યના પ્રજાજનોને નવા નાણાંકીય વર્ષની ભેટ આપી છે. અમદાવાદથી મહેસાણા, શામળાજીથી ગોધરાના રોડ પરના ટોલ ટેક્સમાં પણ સરેરાશ ૧૪.૫૫ ટકાનો વધારો કરી દીધો છે. તેમ જ હાલોલ, શામળાજીના રોડ પર લેવાતો ટોલ પણ વધારી દેવામાં આવ્યો છે. સૌથી મોટો વધારો તો વડોદરા-હાલોલ રોડ અને અડાલજ મહેસાણા રોડ પર કરવામાં આવ્યો છે. સરખેજથી માળિયા સુધીના રોડ પરના ટોલ ટેક્સમાં અંદાજે ૫થી ૧૫ ટકાનો વધારો કરી દીધો છે.
અમદાવાદથી માળિયા વચ્ચેના ટોલબૂથ પર લેવાતા ટોલમા જુદી જુદી કેટેગરીના વાહન માટે રૃા. ૫થી માંડીને રૃા. ૧૫નો વધારો થયો છે. દહેજ ભરૃચ વચ્ચેના માર્ગ પર ટુ એક્સેલના વાહનો માટેનો ટોલ રૃા. ૨૩૦થી વધારીને ૨૫૦ કરવામાં આવ્યો છે. તેમ જ થ્રી એક્સેલના વાહનોનો ટોલ રૃા. ૨૫૦થી વધારીને રૃા. ૨૬૦ કરવામાં આવ્યો છે. તેમ જ અર્થમુવર્સ પરનો ટોલ ટેક્સ રૃા. ૩૮૦થી વધારીને રૃા. ૪૦૦ અને સાત એક્સલથી મોટા વાહનો માટેનો ટોલ રૃા. ૪૬૦થી વધારીને રૃા. ૪૮૦ કરવામાં આવ્યો છે.
વડોદરા-હાલોલના ૩૧.૭ કિલોમીટર રોડ પર ટોલ લેવાની મહેતલ પૂરી થઈ ગઈ હોવા છતાં લોકોને માથે ૧૪.૫૫ ટકાનો ટોલ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આમ વડોદરા હાલોલનો રોડ ૨૦૦૧માં બની ગયો તે પછી સતત ટોલ લેવામાં આવે છે. વડોદરા હાલોલનો ટોલરોડ રૃા. ૧૭૦.૬૪ કરોડનાખર્ચે બનોલો છે. તેમ જ અડાલજ મહેસાણાના ૫૧.૬ કિલોમીટરના રૃા.૩૪૪.૨૫ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા રોડ પર ૨૦૦૩થી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. આમ બે રોડ બનાવવા માટે કંપનીએ રૃા. ૫૧૪.૮૯ કરોડનો ખર્ચ કર્યો છે.
આ બંને ટોલ રોડ પર નેશનલ હાઈવેના કિલોમીટરના દરથી વધુ ઊંચા દરે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. માહિતી અધિકાર હેઠળ એકત્રિત કરવામાં આવેલી માહિતી મુજબ આ બંને રોડ પર મળીને ૨૦૨૩-૨૪ સુધીમાં રૃા.૨૯૨૮ કરોડ ઉઘરાવ્યા પછીય રૃા. ૧૯૬૮ કરોડ ઉઘરાવવાના બાકી હોવાનું જણાવવામાં આવ્યું છે. રૃા. ૨૯૨૮ કરોડના ઉઘરાણામાંથી કંપનીએ રૃા. ૧૯૫૪ કરોડનો નફો કર્યો છે. આ કંપનીએ વ્યાજ અને નફો બાદ કર્યા પછી તેના શેરહોલ્ડર્સને રૃા. ૬૫૨ કરોડનું ડિવિડંડ પણ આપ્યું છે. તેમ છતાંય પહેલી એપ્રિલ ૨૦૨૫થી આ રોડ પરના ટોલમાં ૧૪.૫૫ ટકાનો વાધારો કરી દેવામાં આવ્યો છે. ટોલ વસૂલાઈ ગયા પછીય સરકાર ટોલ વધારી રહી છે. આ બંને ટોલ રોડ બનાવનાર કંપનીમાં ગુજરાત સરકાર ૧૬ ટકાની ભાગીદાર છે. આમ પ્રજાને પૈસે કામ કરનાર ગુજરાત સરકાર જ પ્રજાને વેપારીની જેમ ખંખેરી રહી છે અને ખાનગી કંપનીઓને પ્રજાને ખંખેરવામાં સહકાર આપી રહી છે. આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચેલો છે.
બગોદરા તારપુરના રોડ પર લાઈટ કોમર્શિયલ વેહિકલ પરના ટોલ ટેક્સ રૃા.૧૧૦થી વધારીને રૃા. ૧૧૫, બસનો ટોલ રૃા.૨૨૦થી વધારી રૃા. ૨૩૫, થ્રી એક્સેલનો ટોલ વધારીને રૃા. ૨૪૦થી ૨૫૦, એસસીએમનો ટોલ રૃા. ૩૭૦થી વધારી રૃા.૩૯૦ અને સાત એક્સેલના વેહિકલનો ટોલ રૃા. ૪૪૫થી વધારીને રૃા.૪૬૫ કરવામાં આવ્યો છે. હાલોલ સામળાજી રોડ પર મોટર-જીપનો ટોલ રૃા.૨૩૦થી વધારી રૃા. ૨૫૪૫, મિનિબસનો રૃા. ૪૧૦થી વધારી રૃા. ૪૪૫, બસનો ટોલ રૃા. ૮૦૫થી વધારીને રૃા. ૮૮૫, લાઈટ કોમર્શિયલ વેહિકલનો ટોલ રૃા. ૪૧૦થી વધારીને ૪૪૫, ટુ એક્સેલનો ટોલ રૃા. ૮૦૫થી વધારીને ૮૮૫ તથા મલ્ટીપલ એક્સેલના વાહનો પરનો ટોલ રૃા. ૧૨૯૫થી વધારીને રૃા. ૧૪૨૫ કરવામાં આવ્યો છે, એમ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સેક્રેટરી નિમેષ પટેલનું કહેવું છે.
નેશનલ હાઈવે પર પણ એક ફેરાના ૮૦૦થી ૯૦૦નો વધારો
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી કરજણથી મુંબઈ વચ્ચે બનાવવામાં આવેલા રોડ પર છ ટોલબૂથ છે. આ ટોલબૂથ દીઠ રૃા, ૫, ૧૫, ૨૫નો વધારો કરી દેવામાં આવ્યો છ. નવાઈની વાત તો એ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ૨૦૦૮માં નોટિફિકેશન બહાર પાડીને ખુદ નિયમ કર્યો છે કે કોઈપણ રોડ બિલ્ટ ઓપરેટ એન્ડ ટ્રાન્સપોર્ટના નિયમ હેઠળ બનાવવામાં આવે અને તેનો ટોલ વ્યાજ સહિત વસૂલાઈ જાય તે પછી માત્ર ને માત્ર રોડના મેઈન્ટેનન્સ માટે જ મૂળ ટોલના દરના ૪૦ ટકાના દરે જ ટોલ વસૂલવાનો રહેશે. ખુદ સરકાર જ આ નિયમને ઘોળીને પી ગઈ છે. આજે તે રોડ પર પણ ટોલમાં વધારો કરી દેવામાં આવ્યો છે. એક ટ્રીપના રૃા. ૮૦૦થી ૯૦૦નો વધારાનો ખર્ચ બોજ મોટા વાહનોએ વેંઢારવો પડી રહ્યો હોવાનું અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના કાર્યકારી પ્રમુખ મુકેશ દવેનું કહેવું છે.
(બોક્સ)
અમદાવાદ માળિયાનો રોડ પર ટોલના નવા દર
અમદાવાદના સરખેજ વિસ્તારથી ધ્રાગ્રધ્રા, ધ્રાંગધ્રાથી હળવદ, હળવદથી માળિયા સુધીના રોડ પર ટોલ ટેક્સમાં વધારો કર્યો છે. આ માર્ગ પર કાર જીપ, મિનિબસ, બસ, એલસીવી અને બે એક્સેલની ટ્રક માટેના ટોલના દર અલગ અલગ નક્કી કરવામાં આવ્યા છે.
મિનિબસ
રોડનો વિભાગ નવો ટોલ
સરખેજ-વિરમગામ રૃા. ૧૨૦
વિરમગામ-ધ્રાંગ્રધા રૃા. ૧૬૫
ધ્રાંગધ્રા-હળવદ રૃા. ૦૬૫
હળવદ માળિયા રૃા. ૧૦૦
બસ
રોડનો વિભાગ નવો ટોલ
સરખેજ-વિરમગામ રૃા. ૨૩૫
વિરમગામ-ધ્રાંગ્રધા રૃા. ૩૩૦
ધ્રાંગધ્રા-હળવદ રૃા. ૧૩૦
હળવદ માળિયા રૃા. ૧૯૫
લાઈટ કોમર્શિયલ વ્હીકલ
રોડનો વિભાગ નવો ટોલ
સરખેજ-વિરમગામ રૃા ૧૨૦
વિરમગામ-ધ્રાંગ્રધા રૃા. ૧૬૫
ધ્રાંગધ્રા-હળવદ રૃા. ૦૬૫
હળવદ માળિયા રૃા. ૧૦૦
બે એક્સલની ટ્રક
સરખેજ-વિરમગામ રૃા. ૨૩૫
વિરમગામ-ધ્રાંગ્રધા રૃા. ૧૫૦
ધ્રાંગધ્રા-હળવદ રૃા. ૩૧૦
હળવદ માળિયા રૃા. ૧૯૫
મલ્ટીપલ એક્સલ ટ્રક
સરખેજ-વિરમગામ રૃા. ૩૭૫
વિરમગામ-ધ્રાંગ્રધા રૃા. ૨૪૦
ધ્રાંગધ્રા-હળવદ રૃા. ૫૦૦
હળવદ માળિયા રૃા. ૩૨૦
કાર અને જીપ માટેના ટોલ
રોડનો વિભાગ નવો ટોલ
સરખેજ-વિરમગામ રૃા. ૦૬૫
વિરમગામ-ધ્રાંગ્રધા રૃા. ૦૯૫
ધ્રાંગધ્રા-હળવદ રૃા. ૦૩૫
હળવદ-માળિયા રૃા. ૦૫૫