અમરેલીનાં રાંઢીયા ગામે અરેરાટી ફેલાવતી શંકાસ્પદ ઘટના
મધ્યપ્રદેશનો ખેતમજૂર પરિવાર જંગર ગામે મજૂરી કામે ગયા બાદ વાડીએ રમતા બાળકો કારમાં પૂરાઇ જતાં સર્જાઇ કરૂણાંતિકા
અમરેલી,ચિત્તલ: અમરેલી જિલ્લામાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમરેલી તાલુકાના રાંઢીયા ગામે એક ખેતરમાં પરપ્રાંતીય ખેતમજૂર પરિવારના ૪ બાળકોનું કારમાં ગૂંગળાઈ જવાને કારણે મોત થતાં અરેરાટી ફેલાઈ હતી. માતા-પિતા અન્ય વિસ્તારમાં મજૂરીએ ગયા હતા, તે દરમિયાન વાડીમાલિકની કારમાં બેસ્યા બાદ બનાવ બન્યો હતો. આ અંગે અમરેલી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, અમરેલી તાલુકાના રાઢીયા ગામમાં તા.૨ ને શનિવારે નુતન વર્ષનાં દિવસે ભરતભાઇ ભવાનભાઈ માંડાણીની વાડીમાં તેમની કાર રાખવામાં આવી હતી. અહીં મધ્યપ્રદેશના ધાર વિસ્તારના પરપ્રાંતીય મચ્છાર પરિવારના ૪ બાળકો રમતા હતા. માતા-પિતા અન્ય વિસ્તારમાં કામે ગયા હતા. આ અરસામાં બાળકો રમતા રમતા કારમાં બેસી ગયા હતા અને બાદમાં દરવાજા નહીં ખુલતા અંદર જ ગૂંગળાઈ જવાના કારણે મોતને ભેટયા હતા. જેમાં ૨ બાળકો અને બે બાળકીનો સમાવેશ થાય છે. જ્યારે આ ઘટનામાં એક જ પરિવારના ૪ માસૂમ બાળકો હોવાને કારણે પરિવારજનો પર આભ ફાટયું છે. આ ઘટના બાદ મૃતકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ ઘટનામાં સુનિતા સોબિયાભાઈ મચ્છાર (ઉ.વ. ૭), સાવિત્રી સોબિયાભાઈ મચ્છાર (ઉ.વ.૪), કાતક સોબિયાભાઈ મચ્છાર (ઉ.વ. ૩) અને વિષ્ણુ સોબિયાભાઈ મચ્છાર (ઉ.વ.૨) નામના માસૂમ બાળકોનું મોત થયું હતું. આ ઘટનાને લઈને મૃતક બાળકોના પિતા સોબિયાભાઈ રતનયાભાઈ મચ્છાર (ઉં.વ.૩૫)એ અમરેલી તાલુકા પોલીસને જણાવ્યું હતું કે, તેઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. તેમના ચારેય બાળકો વાડીમાલિકની જીજે- ૧૬- બીબી-૦૦૫૩ નંબરની સફેદ કલરની કારમાંથી મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યા હતા. તેઓને કારમાં ઉલ્ટી થઇ ગઈ હતી અને એક બાળકીના મોઢામાંથી ફીણ નીકળેલ હાલતમાં હતા.
આ અંગે વાડીમાલિક ભરતભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે, મૂળ મધ્યપ્રદેશના મચ્છાર પરિવારના લોકો ખેતરમાં ૬-૭ મહિનાથી ભાગવું રાખીને રહે છે. ગયા શનિવારે નવા વર્ષે સવારે બાળકોને ખેતરે મૂકીને મજૂરીકામ માટે અન્ય વિસ્તારમાં ગયા હતા અને હું મારા નિત્યક્રમ પ્રમાણે વાડીએ જ ગાડી રાખીને વાઇપર નીચે ચાવી મૂકી બીજા ખેતરે ગયો હતો. આ બાદમાં સાંજે મને મજૂર દ્વારા બનાવને લઈને જાણ કરવામાં આવતા સરપંચને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ અને તંત્ર તાત્કાલિક પહોંચી ગયું હતું અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરીને બાળકોને તેમના વતન પહોંચાડવાની તજવીજ કરવામાં આવી હતી. આ અંગે અમરેલી તાલુકા પોલીસ મથક ખાતે જાણ કર્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ બનાવ અંગે અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ખેતરમાં મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પતિ-પત્ની તેમના સાત બાળકો સાથે ખેતરમાં રહીને મજૂરીકામ કરતા હતા. આ બનાવનાં દિવસે તેઓ બે બાળકોને લઈને વડીયાના જંગર ગામે ખેતમજૂરી માટે હતા, એ સમયે વાડીએ રહેલા ૧૦ વર્ષના બાળકને લઇ વાડીમાલિક ભરતભાઈ બાઈક પર પોતાની બળેલ પીપળીયાના રસ્તે આવેલી બીજી વાડીએ ગયા હતા. આ દરમિયાન વાડીએ એકલા રહેલા બે થી સાત વર્ષની વયનાં ૪ બાળકોને રમતા રમતા વાડીમાલિકની આઇ-૨૦ કારની ચાવી મળી જતાં દરવાજો ખોલીને અંદર બેસી ગયા હશે અને પછી બહાર નહીં નીકળી શકતા ગૂંગળામણ કે અન્ય કારણોસર તેમનું મોત થયું હોય શકે છે. આ અંગે અમરેલી તાલુકા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુન્હો નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
અનેક તર્ક-વિતર્કો સાથે રહસ્યનાં તાણાવાણા સર્જાયા
અમરેલી તાલુકાના રાંઢીયા ગામે ખેતરમાં પડેલી વાડીમાલિકની કારમાં પરપ્રાંતીય ખેતમજૂર પરિવારના ચાર બાળકોનું ગૂંગળાઈ જવાને કારણે મોત થવાની અરેરાટીભરી ઘટનામાં અનેક તર્ક-વિતર્કો સાથે રહસ્યનાં તાણાવાણા સર્જાયા છે. નવા વર્ષનાં દિવસે જ શ્રમિક પરિવાર પોતાની વાડી અને બાળકોને મુકીને બીજા ગામ ખેતમજૂરીએ જાય અને ચાર નાના બાળકોને જેમના સહારે મુકીને જાય એ મોટા પુત્રને વાડીમાલિક લઈને બીજી વાડીએ જતાં રહે.. એ વાત શંકાસ્પદ બની છે. આ ઉપરાંત માસુમ બાળકોનાં મૃતદેહ મળ્યા ત્યારે ઝેરી અસર થઈ હોઈ એમ તેઓને ઉલ્ટી થઇ ગયેલી હતી અને એક બાળકીના મોઢામાંથી ફીણ નીકળેલા હતા. કારમાં ગુંગળામણ થવાથી આવું થાય કે કેમ ? એ સવાલ ઉભો થયો છે. જેથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે.