આજથી મા શક્તિની આરાધના કરવાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રિ સાથે મહારાષ્ટ્રીયન સમાજનો ગુડી પડવો અને સિંધી સમાજના ચેટી ચાંદના પર્વ સાથે નવા વર્ષનો પ્રારંભ થતો હોય છે. આજે વડોદરા શહેરમાં મા શક્તિની ભક્તિ અને મહારાષ્ટ્રીયન અન
.
ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ માતાજીના અનુષ્ઠાન કરવા માટે પાવન મનાતા એવા ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થતાં શહેરના માંડવી ખાતે આવેલા સુપ્રસિદ્ધ અંબા માતાના મંદિર ખાતે તેમજ કારેલીબાગમાં આવેલા બહુચરાજી મંદિર અને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ખાતે આવેલા તુળજા ભવાની માતાના મંદિર ખાતે વહેલી સવારથી શ્રદ્ધાળુઓની દર્શન માટે ભારે ભીડ રહી હતી. દર્શન માટે તમામ મંદિરોમાં લાંબી કતારો લાગી હતી. માતાજીના મંદિરના પરિસરો જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યા હતા. માંડવી રોડ ઉપર ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઇ ગઇ હતી.

પૂજા સાથે નવા વર્ષની ઉજવણીનું ભવ્ય આયોજન આજે ચૈત્રી નવરાત્રિના પ્રારંભ સાથે મહારાષ્ટ્રીયન સમાજના ગુડી પડવા સાથે નવા વર્ષની શરૂઆત થાય છે. ત્યારે વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રિયન સમાજ દ્વારા ઘર આંગણે ગુડી લગાવીને પૂજા અર્ચના સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના માજી કાઉન્સિલર રાજેશ આયરે અને વર્તમાન કાઉન્સિલર શ્રીરંગ આયરેના નિવાસ્થાને ગુડી પડવાની પૂજા સાથે નવા વર્ષની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રીયન સમાજના લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી આ પ્રસંગે સાંસદ ડો. હેમાંગ જોશી, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની સહિતના ભાજપા અગ્રણીઓએ હાજરી આપી હતી અને આયરે પરિવાર તેમજ વડોદરા શહેરમાં વસતા સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજના લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. માજી કાઉન્સિલર રાજેશ આયરેએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા પરંપરાગત વસ્ત્રો પહેરીને ગુડી ઉભી કરી તેની પૂજા અર્ચના કરીને એક બીજાને નવા વર્ષની શુભેચ્છા આપીને ગુડી પડવાની ઉજવણી કરી હતી. ખંડોબાના મંદિરે મહારાષ્ટ્રીયન મહિલાઓએ પારંપરિક વસ્ત્રો પરિધાન કરીને ગુડીની પૂજા કરીને ઉજવણી કરી હતી. આજના દિવસે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી હતી અને આ દિવસથી સત્યયુગની શરૂઆત થઈ હતી.

પૂજા પછી કડવા લીમડાના પાન કે ગોળીઓ ખાવાની પ્રથા એવું પણ માનવામાં આવે છે કે, ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ, નારાયણ અવતાર, ગુડી પડવાના દિવસે બાલીનો વધ કર્યો અને લોકોને તેના આતંકમાંથી મુક્ત કર્યા હતા. ગુડી પડવાની ઉજવણીમાં વાંસની લાકડીને ચોખ્ખા પાણીથી ધોઈને તેના રેશમી કે સુતરાઉ કાપડ મૂકી પર કડવા લીમડાની ડાળખી , સાકરનો હાર, પુષ્પહાર કરી તેની પર ચાંદી પિત્તળ કે તાંબાનો લોટો મુકવામાં આવે છે. પછી હળદર-કંકુથી પૂજા કરવામાં આવે છે. પૂજા પછી કડવા લીમડાના પાન કે ગોળીઓ ખાવાની પ્રથા છે. ગુડીને વિજય ધ્વજનું પ્રતિક માનવામાં આવે છે. મહારાષ્ટ્રીયન પરિવારો ઘરની બહાર ગુડી ઊભી કરીને નવા વર્ષની શરૂઆત કરે છે અને એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છા આપે છે.

વરાસીયા વિસ્તાર આયો લાલ ઝુલેલાલના જયઘોષથી ગૂંજી ઉઠ્યો ભક્તિ અને ઉત્સવના આજના પાવન દિવસથી સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદની ઉજવણી સાથે નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બહુ વસ્તી ધરાવતા વારસીયા વિસ્તારમાં આજે સવારથી સિંધી સમાજના લોકો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ચેપી ચાંદની ઉજવણી સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સિંધી સમાજ દ્વારા ઠેર-ઠેર પ્રસાદ અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વરાસીયા વિસ્તાર આજે આયો લાલ ઝુલેલાલના જયઘોષથી ગૂંજી ઉઠ્યો હતો. સિંધી સમાજના લોકો દ્વારા સમાજના લોકોને મળીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. વારસિયા વિસ્તારમાં આજે રાત્રે ભવ્ય જૂલુસ સાથે ભારે આતશબાજી પણ કરવામાં આવશે અને ચેટી ચાંદની ઉજવણી કરવામાં આવશે.
