ગીર સોમનાથ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. 14 વર્ષથી ફરાર આરોપી મહેન્દ્રભાઇ ઉર્ફે મહેશભાઇ ભુંગાણી (61)ને સુરતના ઓલપાડ વિસ્તાર માંથી ટ્રક ડ્રાઇવરનો વેશ ધારણ કરી ઝડપી પાડ્યો હતો.
.
આરોપીએ સુત્રાપાડામાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા સમયે ગુજરાત હેવી કેમિકલ્સ કંપનીનો સોડાએશનો જથ્થો બારોબાર વેચી મારી છેતરપિંડી કરી હતી. માલ વેચ્યા બાદ ટ્રકને બિનવારસુ છોડી દીધી હતી. આરોપીએ પોતાનું નામ મહેશસિંહ સાવજસિંહ બનાવી બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને પત્ની-બાળકોને છોડી યુપીના પ્રયાગરાજની મહિલા ચંદાસિંગ સાથે બીજા લગ્ન કરી લીધા હતા.
જુનાગઢ રેન્જ આઇજીપી નિલેશ જાજડીયા અને એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ખાસ યોજના બનાવી હતી. પીએસઆઇ આકાશસિંહ સિંધવ અને એએસઆઈ નરેન્દ્ર કછોટની ટીમે ટ્રક ડ્રાઇવરનો વેશ ધારણ કરી આરોપીને પકડ્યો હતો. આરોપી વિરુદ્ધ સુરત કડોદરા અને ભાવનગર શિહોરમાં પણ છેતરપિંડીના ગુના નોંધાયેલા છે. હાલમાં દિલ્હીના નહેરુ પેલેસ વિસ્તારમાં સ્કૂલ બસ ડ્રાઇવર તરીકે કામ કરતા આરોપી વિરુદ્ધ IPC કલમ 407, 420 અને 144 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.