ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું
બન્ને શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઇને તપાસ માટે મેડિકલ કોલેજ મોકલાયા : સર્વેની કામગીરી યથાવત
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામમાં એક મહિના પહેલા કમળાનો
રોગચાળો ફેલાયો હતો અને અહીંથી લગભાગ ૨૯ જેટલા બાળકો અને કિશોરો કમળાના રોગચાળામાં
પટકાયા હતા ત્યાર બાદ આ ગામમાં અને અસરગ્રસ્ત મહોલ્લા-વાસમાં સર્વેની કામગીરી સઘન
બનાવવામાં આવી હતી જે દરમ્યાન એક મહિને ગામમાંથી વધુ બે દર્દીઓ પ્રકાશમાં આવ્યા
છે. જેના પગલે આરોગ્ય તંત્ર ફરી દોડતું થઇ ગયું છે.
ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામમાં એક મહિના પહેલા
ડિસેમ્બરના અંતભાગમાં કમળાનો રોગચાળો ફાટી નિકળ્યો હતો. આરોગ્ય તંત્ર તથા જિલ્લા
વહિવટી તંત્ર દ્વારા ગામમાં ધામા નાંખીને અહીં આરોગ્યલક્ષી તથા અન્ય આનુસંગિક
કામગીરી કરવામાં આવી હતી જેમાં એક પછી એક બાળકો-કિશોરો કમળાગ્રસ્ત હોવાનું સામે
આવી રહ્યું હતું અને ગામના અસગ્રસ્ત ત્રણ વાસમાંથી ૨૯ જેટલા દર્દીઓ પ્રકાશમાં
આવ્યા હતા. જો કે, તમામને
સારવારને અંતે સારૃ થઇ ગયું હતું તેમ છતા ગાઇડલાઇન પ્રમાણે, જિલ્લા આરોગ્ય
તંત્ર દ્વારા સર્વેની કામગીરી ચાલુ રાખી હતી જે દરમ્યાન એક મહિનાને અંતે બે કિશોરો
શંકાસ્પદ લક્ષણો સાથે પ્રકાશમાં આવ્યા છે.
આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ચંદ્રાલામાંથી એક
મહિનાને અંતે વધુ બે શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર દોડયું છે અને આ
વિસ્તારમાં સર્વેની કામગીરીને વધુ સઘન બનાવવા માટે પણ સુચના આપી છે તો બીજીબાજુ આ
બન્ને દર્દીઓના સીરમ સેમ્પલ લઇને ગાંધીનગર મેડિકલ કોલેજ મોકલી આપવામાં આવ્યા છે.
તેના રિપોર્ટ બાદ જ તેમને કમળો છે કે નહીં તેનો ખ્યાલ આવશે.ઉલ્લેખનીય છે કે ગામમાં
રબ્બરની ટોટી વડે પાણી ભરવામાં આવતું હોવાથી રોગચાળો થયો હોવાનું અગાઉ પ્રાથમિક
તારણ કાઢવામાં આવ્યું હતું.