National Green Tribunal: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ગુજરાત સરકાર અને સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવના પર્યાવરણ સચિવને હુકમની અવગણના કરવા બદલ 50 હજારનો દંડ ફટકાર્યો છે. ભૂગર્ભજળમાં આર્સેનિક અને ફ્લોરાઈડની માત્રા જાણવા 2 વર્ષ અગાઉ નિર્દેશ કર્યો હોવા છતાં વારંવારની તાકિદ બાદપણ પ્રશાસન દ્વારા એનજીટીના આદેશને ગણકારવામાં નહીં. આખરે એનજીટીએ કડક વલણ અપનાવવાની સાથે ચાર સપ્તાહમાં રિપોર્ટ જમા કરાવવા આદેશ કર્યો છે.
NGTએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે રિપોર્ટ માંગ્યો
ભૂગર્ભજળ દુષિત થઈ રહ્યા હોવાના અહેવાલો બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના વિસ્તારના ભુગર્ભજળમાં નિર્ધારિત માત્રા કરતાં આર્સેનિક અને ફ્લોરાઈડની માત્રા વધુ છે કે નહીં? તે અંગેનો લેખિતમાં રિપોર્ટ માંગ્યો હતો. બે વર્ષ અગાઉ આપેલા નિર્દેશ બાદ પણ ગુજરાત અને સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને લઈને 17મી માર્ચે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચેરપર્સન જસ્ટીસ પ્રકાશ શ્રીવાસ્તવે આ મામલાને ગંભીરતાથી લીધો હતો.
જસ્ટિસ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ‘સંઘપ્રદેશ પ્રશાસનને બે વર્ષ સુધી વારંવાર તક આપવા છતાં એનજીટીના નિર્દેશનની સતત અવગણના કરવામાં આવી છે. જાહેર આરોગ્ય સંબંધિત મુદ્દો હોવા છતાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા તેને વ્યક્ત કરી હતી. આવા મુદ્દાને પ્રશાસન ગંભીરતાથી લે તે માટે પર્યાવરણ સચિવને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે ભૂગર્ભજળ અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ માંગેલો રિપોર્ટ રજૂ કરવો છે. આ કેસની વધુ સુનાવણી 16મી જુલાઈએ હાથ ધરાશે.