Surat : ભારત અને ગુજરાત સરકાર તથા સુરત પાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકને રોકવા માટે અનેક નિયમો બનાવાયા છે પરંતુ તેનું પાલન યોગ્ય રીતે થતું નથી. જોકે, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક સ્કૂલના વિદ્યાર્થીઓના માનસપટ પર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે એક પહેલ કરી છે અને તેમાં ધીમે ધીમે સફળતા મળી રહી છે. શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શિક્ષક ના માર્ગદર્શન બાદ વિદ્યાર્થીઓની ટીમ ફ્રી સમયમાં વર્ગ ખંડમાં જઈને અન્ય વિદ્યાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિક થી થતા ગેરફાયદાની માહિતી આપે છે તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરામાં ન ફેંકી તેની વિવિધ સુશોભન ની વસ્તુ બનાવવી એક અનોખો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આમ તો વિવાદો માટે જાણીતી છે પરંતુ કેટલાક શિક્ષકો આ વિવાદોથી પર રહીને સાચા અર્થમાં બાળકોનું ઘડતર કરી રહ્યાં છે. સુરત શિક્ષણ સમિતિની શાળાઓ પૈકી સુરતના ઉધના વિસ્તારમાં માધવરામ સદાશિવરાવ ગોલવલકર ગુરુજી પ્રાથમિક શાળા ક્રમાંક 223ના શિક્ષક મચ્છિન્દ્ર પાટીલ બાળકોમાં રહેલી શક્તિ બહાર આવે તે માટે નવા પ્રયોગ કરતા રહે છે. હાલમાં તેઓએ બાળકોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલનો વપરાશ વધી રહ્યો છે તેને ઘટાડવા માટે અપીલ કરવા સાથે નવતર પ્રયોગ હાથ ધર્યો છે.
આ અંગે માહિતી આપતા શિક્ષક મચ્છિન્દ્ર પાટીલ કહે છે, સમિતિની શાળામાં ઘણા બાળકો સિંગલ યુઝ થાય તેવી પ્લાસ્ટિકની બોટલ લઈને આવે છે. આવી બોટલમાં પાણી વારંવાર ભરીને પીવાથી બાળકોના સ્વાસ્થ્યને ગંભીર અસર પહોંચી શકે તેવા અનેક તારણો આવ્યા છે. તેથી બાળકોને આવા પ્લાસ્ટિક થી દૂર રાખવા માટે અમે કેટલાક પ્રયાસ કર્યા છે. અમારી શાળામાં વિચાર કી ફસલ શીર્ષક હેઠળ અનેક કાર્યક્રમ થાય છે અને તે કાર્યક્રમ હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિક થી બાળકોને દૂર રાખવા તેમાંથી શૈક્ષણિક સાધનો બનાવવા માટે પ્રયોગ કરવામાં આવ્યો છે તેની સાથે સાથે આવી બોટલને કારણે કેન્સર જેવા રોગ પણ થઈ શકે તેની માહિતી પણ આપવામાં આવી હતી. આ માહિતી વધુ વિદ્યાર્થીઓ પાસે જાય તે માટે શાળા દ્વારા વિદ્યાર્થીઓનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પ્રયોગ પછી સંકેત દેશલે, લોકેશ પાટીલ અને રમેશ ચૌહાણ નામના વિદ્યાર્થીઓની એક ટીમ બની ગઈ છે. આ વિદ્યાર્થીઓ ફ્રી સમય હોય ત્યારે વર્ગખંડમાં જાય છે અને અન્ય વિદ્યાર્થીઓને અમે આપેલી માહિતી સરળતાથી પહોંચાડે છે. એટલું જ નહીં આ બોટલ માંથી તેઓ વિવિધ સુશોભનની વસ્તુ સાથે પ્રયોગમાં આવે તેવી વસ્તુઓ પણ બનાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ જ અન્ય વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડતા હોવાથી સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અમારી સ્કૂલમાં જાગૃતિ આવી રહી છે. આ પ્રવૃત્તિમાં વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાઈ તે માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી દૂર થઈને આ પ્રવૃત્તિ કરનાર બાળકોને શાળા કક્ષાએથી પ્રમાણપત્રો પણ આપવામાં આવી રહ્યા છે.આ પ્રયોગના કારણે હવે શાળામાં સિંગલ યુઝ પ્લાસ્ટીકની બોટલ લઈને આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી થઈ છે તેથી આ પ્રયોગ સફળ થતો હોય તેવું લાગી રહ્યું છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિકથી દૂર રાખવાનો સંકલ્પ કર્યા બાદ જાગૃતિ : વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકમાંથી વિવિધ ડેકોરેશનની વસ્તુ બનાવી
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉધનાની શાળા ક્રમાંક 223 માં એક શિક્ષકે પ્રાર્થનાસભામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી કેવા રોગ થાય છે અને પર્યાવરણને પણ કેવું નુકસાન થાય છે તેવું પ્રયોગો સાથેની માહિતી આપી હતી. આ પ્રાર્થના સભામાં કરવામાં આવેલી વાત કેટલાક વિદ્યાર્થીઓને ઉતરી ગઈ હતી અને તેઓએ પોતે સમજી અને અન્ય વિદ્યાર્થીઓને પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ રોકવા માટે અપીલ કરવાનું શરુ કરી દીધું છે.
આ શાળાના શિક્ષક અને આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓની ધગસ જોઈને તેમને પ્રોત્સાહન આપી રહ્યાં છે. શાળાની પ્રાર્થના સભામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગેની જે માહિતી આપવામાં આવી હતી તેને વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે આ પ્લાસ્ટિકમાંથી વિવિધ ડેકોરેશનની વસ્તુ બનાવી પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્લાસ્ટિક બોટલ માંથી કુંડા, લેમ્પ, ફુલદાની જેવી વિવિધ વસ્તુઓ બનાવી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પણ આ જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે.