વડોદરામાં વિવિધ કંપનીઓમાં કામદારોના દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ અને કાર, લેપટોપની ઉચાપત કરનાર આરોપી લેબર કોન્ટ્રાક્ટરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને તેની પાસેથી કાર મોબાઇલ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
.
પોલીસ રોડના નાકે વોચમાં હાજર હતી
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વડોદરા શહેરના જુદા -જુદા પોલીસ સ્ટેશનના ઠગાઇના ગુનામા સંડોવાયેલ ઇસમ રાકેશ કાલુવન ગોસાઇ (રહે. ગોરવા તથા હરણી વડોદરા) હાલ એક સફેદ અલ્ટો કાર લઇને આજવા ચોકડીથી વાઘોડિયા ચોકડી વચ્ચે આવેલ તક્ષ ગેલેક્સી મોલમાં આવ્યો છે અને કાર ચોરી કે ગુનાહિત કૃત્ય કરીને લાવ્યો છે. આ બાતમીના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તક્ષ ગેલેક્ષી મોલ જવાના રોડના નાકે વોચમાં હાજર હતી.
મોબાઈલ અને લેપટોપના બિલ રજૂ કરી શક્યો ન હતો
તે દરમિયાન કારને રોકી તેમાં ચાલક શખસ રાકેશભાઇ કાલુવન ગોસાઇ (ઉ.44) (રહે. મૂળ પ્રભુલી સોસાયટી-2, હરણી રોડ, વડોદરા શહેર હાલ- સમીર પાર્ક સોસાયટી, હાઇટેન્શન રોડ, સુભાનપુરા વડોદરા) મળી આવ્યો હતો. જેની પાસેથી બે મોબાઇલ ફોન અને કારમાંથી એક લેપટોપ મળી આવ્યું હતું અને જેથી કારના પેપર્સ અને મોબાઇલ ફોન અને લેપટોપોના બિલ રજૂ કરવા જણાવતા તે રજૂ કરી શક્યો ન હતો અને તેની પૂછપરછમાં તેને કાર અને લેપટોપ ચોરી કરેલા હોવાની વાત કરી હતી.
દોઢ કરોડની ઠગાઈ આચરી હતી
આરોપીએ તેની આ કાર પર તેના સંબંધીની કારનો નંબર લખેલો હતો. જેથી, તે પોલીસના હાથે ન પકડાય. આ આરોપીએ લેબર કોન્ટ્રાકટરના કામ દરમિયાન આજ દિન સુધી દોઢ કરોડ જેટલી રકમની ઠગાઇ કરેલ હતી. આ અંગે વડોદરા શહેરના માંજલપુર અને અકોટા પોલીસ સ્ટેશનમાં ઠગાઇ અંગેના કુલ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીને માંજલપુર અને અકોટા પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી શરૂ કરી છે.