વડોદરાઃ ગત વર્ષે ઉનાળાની સિઝનમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો વડોદરા શહેરમાં ભારે વિરોધ થયા બાદ મધ્ય ગુજરાત વીજ કંપનીએ સ્માર્ટ મીટરો લગાવવા પર થોડા સમય માટે બ્રેક મારી હતી.
એ પછી વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની નીતિમાં ફેરફાર કરાયો હતો.જે પ્રમાણે હવે કોઈ પણ નવું વીજ જોડાણ આપવામાં આવે છે તો સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે.જો કોઈ ગ્રાહકના મીટરમાં સમસ્યા સર્જાય અને નવું મીટર લગાવવાનું હોય તો જૂના મીટરોની જગ્યાએ સ્માર્ટ મીટર જ ફિટ કરવામાં આવે છે.
તેના કારણે સ્માર્ટ મીટરોની સંખ્યામાં વધારો થયો છે.મધ્ય ગુજરાત વીજ કંપનીએ અત્યાર સુધીમાં ૧.૫૫ લાખ સ્માર્ટ મીટરો લગાવ્યા છે.આ પૈકી ૫૬૦૦૦ મીટર એકલા વડોદરામાં જ લાગી ચૂકયા છે.વડોદરા શહેરમાં લાલબાગ ડિવિઝન હેઠળના વિસ્તારમાં ૧૩૫૦૦, વડોદરાના પૂર્વ વિસ્તારમાં ૧૨૦૦૦ અને પશ્ચિમ વિસ્તારમાં ૩૧૨૦૦ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે.
વીજ કંપનીના સૂત્રોનું કહેવું છે કે, સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર ફિટ કરવાનો ટાર્ગેટ પણ પૂરો કરાયો છે.સરકારી કચેરીઓમાં છેલ્લા આઠ મહિનામાં ૨૮૦૦૦ જેટલા સ્માર્ટ મીટરો ફિટ કરાયા છે.સ્માર્ટ મીટરમાં જૂના મીટરોની જેમ પોસ્ટ પેઈડ બિલ જ આપવામાં આવી રહ્યું છે.ઉપરાંત અત્યાર સુધીમાં બિલ વધારે આવ્યું હોવાની ફરિયાદો મળી નથી.