વડોદરા, માતાજીના ચિત્રવાળા ૧૦ ના સિક્કા પર વિધિ કરવાથી પૈસા મળશે. તેવું કહી મહિલાને વિશ્વાસમાં લઇ ઠગ ટોળકીએ તાંત્રિક વિધિ કરી ૧.૭૬ લાખ પડાવી લીધા હતા. જે અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટીમાં રહેતા દક્ષાબેન ત્રિવેદી સ્માર્ટ સિટિ સિક્યુરિટીમાં નોકરી કરે છે. તેમણે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૭ મી ઓક્ટોબરે હું ફતેગંજથી રિક્ષામાં બેસીને વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે ઉતરી હતી.
રિક્ષાવાળાએ મને કહ્યું કે, માસી તમારી પાસે માતાજીના ચિત્રવાળા સિક્કા હોય તો હું તમને પૈસા અપાવીશ. મારી પાસે સિક્કા હોઇ મેં હા પાડી હતી. ચાર દિવસ પછી રિક્ષાવાળો તેના મિત્રો અશોક તથા અરવિંદ સાથે મારા ઘરે આવ્યો હતો. મેં તેઓને ૧૦ નો સિક્કો માતાજીવાળો આપ્યો હતો. તેઓએ મને કહ્યું કે,તમે ૧ લાખ મૂકશો તો ૧૦ લાખ થઇ જશે. તેઓ પર વિશ્વાસ મૂકી મેં ૧ લાખ મૂક્યા હતા. ત્યારબાદ તેઓએ કહ્યું કે, હાલમાં અમે ૧ લાખ લઇ જઇએ છીએ. આવતીકાલે ડાકોર નજીક ઓડ ગામે જઇને પૂજા કરીશું.
બીજા દિવસે હું તથા મારા પતિ ત્રંબકલાલ બાઇક લઇને ઓડ ગયા હતા. ત્રણેય વ્યક્તિઓ ત્યાં આવ્યા હતા.અમે પાંચેય રિક્ષામાં બેસીને એક ખેતરમાં ગયા હતા. ત્યાં એક પૂજારીએ સિક્કાની પૂજા કરી સ્ટીલના ડબામાં ૫૦૦ ના દરની નોટો મૂકી હતી. સ્ટીલનો ડબો અમને આપી કહ્યું કે, ડબો લઇને ઘરે જાવ. તમારા ઘરે બીજા પૈસા લઇને આવીશું ત્યારે ભાગ પાડીશું.
અમે કહીએ ના ત્યાં સુધી ડબો ખોલવો નહીં. અમે ડબો લઇને ઘરે આવ્યા હતા. રિક્ષાવાળા ભાઇ, અશોકભાઇ તથા અરવિંદભાઇના મોબાઇલ પર અવાર – નવાર કોલ કરી ડબો ખોલવાનું કહેતા તેઓએ પૂજા વિધિ બાકી હોવાનું જણાવી ડબો ખોલવાની ના પાડી હતી. તમારા ડબામાં ચાર લાખ છે. વિધિ માટે બીજા રૃપિયા આપવા પડશે. જેથી, મેં ૭૦ હજાર આપ્યા હતા. ત્યારબાદ તા.૧૪ – ૧૧ – ૨૦૨૪ ના રોજ મેં ડબો ખોલતા તેમાંથી ત્રણ નારિયેળ નીકળ્યા હતા.