વડોદરા,ત્રણ મહિના દરમિયાન ડીસીપી ઝોન – ૨ ના એબસ્કોન્ડર સ્કવોડ દ્વારા નાસતા ફરતા ૧૧ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં વડોદરા ઉપરાંત પંજાબ, અમદાવાદ અને ગોધરાના આરોપીઓ પણ સામેલ છે.
શહેરમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે રાજ્ય પોલીસ વડાની સૂચનાના આધારે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા દરેક ઝોનમાં એબસ્કોન્ડર સ્કવોડ બનાવવામાં આવ્યો છે. ડીસીપી અભય સોનીના એબસ્કોન્ડર સ્કવોડ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન કુલ ૧૧ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં પંજાબના આર્મ્સ એક્ટ અને ખૂનની કોશિશના ગુનાનો આરોપી પણ સામેલ હતો. આ ઉપરાંત નવાપુરા, વારસિયા, મકરપુરા,માંજલપુર, હરણી, કારેલીબાગ, છાણી તથા સમા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીનો છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપી પણ ઝડપાઇ ગયો હતો. આ ઉપરાંત અમદાવાદ અને ગોધરાના પોલીસ સ્ટેશનના આરોપીઓ પણ ઝડપાઇ ગયા હતા.