Digital Arrest in Vadodara: સાયબર માફિયાઓ દ્વારા ડિજિટલ એરેસ્ટના નામે લાખો રૃપિયા પડાવી લેવાના ચોંકાવનારા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે ત્યારે વડોદરામાં આ પ્રકારનો વધુ એક કિસ્સો ચર્ચામાં આવ્યો છે.જેમાં ભોગ બનેલા સિનિયર સિટિઝને રૂપિયા સવા કરોડ જેટલી રકમ ગુમાવી હોવાનું જાણવા મળ્યું છે.
સાયબર ક્રાઇમમાં માહેર ઠગો દ્વારા લોકોને ઠગવાની એકપછી એક તરકિબો અજમાવી રહ્યા છે. જેમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સાએ ખુદ પોલીસ અધિકારીઓને પણ ચોંકાવી દીધા છે.
તાજેતરમાં જ વડોદરામાં એક મહિલાને ડુપ્લિકેટ આઇપીએસ દ્વારા હાઉસ એરેસ્ટ કરવામાં આવી હોવાનું કહી રૂપિયા એક લાખ ખંખેરી લેવામાં આવ્યા હોવાનો કિસ્સો બન્યો હતો. જેમાં મહિલાએ ડુપ્લિકેટ આઇપીએસનું રેકોર્ડિંગ પણ કરી લીધું હતું.
આવી જ રીતે નિવૃત્ત જીવન ગાળતા અને એકલા રહેતા સિનિયર સિટિઝન સાથે પણ ડ્રગ્સના પાર્સલ મોકલવાના નામે ડિજિટલ એરેસ્ટ કરીને ઠગોએ રૂપિયા સવા કરોડ જેટલી રકમ પડાવી લીધી હોવાનો કિસ્સો જાણવા મળ્યો છે. જો કે,આ કિસ્સામાં હજી પોલીસ ફરિયાદ થઇ નથી.આ કિસ્સાને સુરતના બહુચર્ચિત હવાલાકાંડની તપાસ દરમિયાન બહાર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.