સાવલી તાલુકાના નવાપુરા સ્ટેશન પાસે 17 વર્ષના કિશોરનો ત્રણ યુવાનો સાથે ઝઘડો થયા બાદ યુવાનોએ ધમકી આપી હતી. જેના પગલે કિશોરે ઘરમાં બધા ઊંઘી ગયા ત્યારે ગળા ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે આત્મહત્યા માટે પ્રેરણા આપવા બદલ ત્રણ યુવાનો સામે ગુનો નોંધાયો છે.
નવા કનોડા ગામમાં રહેતા જગદીશસિંહ લક્ષ્મણસિંહ પરમારે દાજીપુરા ગામમાં રહેતા કરણસિંહ લક્ષ્મણસિંહ પરમાર, હરેશસિંહ નટવરસિંહ પરમાર અને સચિન નટવરસિંહ પરમાર સામે સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલા ગુનામાં જણાવ્યું છે કે હું ખેતી કરું છું તેમજ એક દીકરી સહિત ત્રણ સંતાનો છે. સૌથી મોટો ભાવેશ 17 વર્ષનો હતો. તારીખ 28ના રોજ અમે ઘેર હતા ત્યારે જાણવા મળેલ કે મારા છોકરા ભાવેશ સાથે દાજીપુરા ગામમાં રહેતા કરણસિંહ સહિતના ત્રણ યુવાનો નવાપુરા સ્ટેશન પાસે ઝઘડો કરે છે. જેના પગલે હું ઘેરથી નીકળી નવાપુરા સ્ટેશન પર ગયો ત્યારે ઝઘડો ચાલતો હતો. મેં મારો પુત્ર રડતો હોવાથી તેને શું થયું છે તેમ પૂછતા તેણે જણાવેલ કે હરેશનું ઉપનામ ડટ્ટો હોવાથી મેં તેને ડટ્ટો કહેતા તે ઉશ્કેરાયો હતો અને તે મને ડટ્ટો કેમ કહ્યો મારું નામ હરેશ છે તેમ જણાવી બે ત્રણ તમાચા મારી દીધા હતા ત્યારબાદ અન્ય બે યુવાનોએ પણ મને માર માર્યો હતો. આ વખતે દુકાન પર ઉભેલા કમલેશકાકા બચાવવા વચ્ચે આવતા તેમને પણ ત્રણે યુવાનોએ માર માર્યો હતો. ત્યારબાદ મારા પુત્રને લઈને હું ઘેર જતો હતો ત્યારે ત્રણેય શખ્શો બોલ્યા કે તારે મરવુ હોય તો મરી જજે પણ બીજી વાર મને ડટ્ટો કહીને બોલાવીશ તો તારા પર ગાડી ચડાવી મારી નાખીશ તેમ કહી ધમકી આપી હતી.
અમે ઘેર ગયા બાદ રાત્રે ઊંઘી ગયા હતા જ્યારે ભાવેશ જુનાગઢની રૂમમાં નિત્યક્રમ મુજબ ઊંઘી ગયો હતો વહેલી સવારે 5:00 વાગે હું ઊઠીને ખેતરમાં તમાકુ કાપવા ગયો હતો ત્યારબાદ 7:00 વાગે મારી પુત્રી અનિતાએ બૂમ પાડી પપ્પા જલ્દી ઘેર આવો ભાવેશ હજી ઉઠ્યો નથી દરવાજો ખખડાવ્યો તેમ છતાં ઉઠતો નથી તેમ કહેતા હું ઘેર ગયો હતો. દરમિયાન આજુબાજુના લોકો પણ ભેગા થઈ ગયા હતા. દરવાજો બાદમાં તોડીને જોતા મારા પુત્ર ભાવેશે લાકડાના મોભ સાથે ગળામાં દોરડું બાંધી આત્મહત્યા કરી હોવાનું જણાયું હતું. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા છે.