Vadodara Corporation : વડોદરા શહેરમાં ચારે બાજુએ રખડતા ઢોરનો ભારે ત્રાસ છે. પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવા માટે દિવસ-રાત સતત કામગીરી ચાલું રહે એ બાબતે કુલ 18 ટીમ બનાવી દીધી છે. પરંતુ આ ટીમ માટે માત્ર ગણતરીના જ ટ્રેક્ટર છે. પરિણામે ઢોર પકડીને જાહેરમાં ઉભી રહેતી ટીમ સાથે ગૌપાલકો ઘર્ષણ કરીને ઢોર છોડાવી જતા હોવાના બનાવો બનવા માંડ્યા છે. આમ પાલિકા તંત્ર દ્વારા ઢોર પકડવાની ટીમો બનાવી દીધી છે પરંતુ પકડેલા ઢોર પુરવા માટે ટીમને ટ્રેક્ટરના અભાવે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં રખડતા ઢોર બાબતે સરકારની ચીમકી બાદ પાલિકા તંત્ર દ્વારા ઢોર પકડવાની ટીમની સંખ્યા વધારીને 18 કરી દેવાય છે. આ તમામ ટીમોને રાઉન્ડ ધ ક્લોક દિવસ-રાત કામગીરી બજાવી પડે છે. શહેરમાં ચારે બાજુએ દિવસ રાત સતત કામગીરીમાં વ્યસ્ત ઢોર પકડતી ટીમોને ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવતી નહીં હોવાની ફરિયાદો ઉઠી છે. ઉલ્લેખનીય છે કે જાહેર રોડ રસ્તા પર પકડેલા ઢોર સાથે ટીમ ટ્રેક્ટરના અભાવે ઊભી રહે છે. પરિણામે ગૌ પાલકો આવીને ઢોર પકડતી ટીમ સાથે જીભાજોડી સહિત ઘર્ષણમાં ઉતરે છે અને આવી રીતે પાલિકા તંત્ર દ્વારા પકડાયેલ ઢોરને છોડાવી જતા હોય છે. આમ ઢોર પકડતી ટીમની કામગીરીમાં ભારે રૂકાવટ આવે છે. કેટલાક રખડતા ઢોર પકડીને શહેરના એક વિસ્તારમાં ઢોર પકડતી ટીમ તમામ ઢોરને કોર્ડન કરીને ટ્રેક્ટરના ઇન્તેજારમાં ઉભી હતી. અંતે ક્યાંથી નીકળેલા અન્ય અધિકારીઓએ કરેલી પૂછપરછમાં હજી સુધી ટ્રેક્ટર આવ્યું નથી. જેથી પકડેલા ઢોરને કોર્ડન કરીને રોડ પર ઉભા છીએ. દરમિયાન આવેલા કેટલાક ગૌ પાલક હોય ઢોર ટીમ સાથે દરમિયાનગીરી સહિત ઘર્ષણ કરીને તમામ પકડેલા ઢોર છોડાવી ગયા હતા. આમ છતાં પાલિકાની ઢોર ટીમે કુલ 16 ઢોર પકડીને પાંજરાપોળ ખાતે મૂક્યા હતા.