ચૂંટણી કામગીરી માટે આઠ હજારથી વધુ કર્મચારીઓની યાદી તૈયાર કરાઇ
Updated: Dec 12th, 2023
વડોદરા, તા.12 લોકસભા ચૂંટણીની તૈયારીઓ તંત્ર દ્વારા શરૃ કરી દેવામાં આવી છે. મતદારયાદી સુધારણાની સાથે હવે ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે અને વિવિધ વિભાગો પાસેથી કર્મચારીઓના નામો મંગાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ-૨૦૨૪માં એપ્રિલ અથવા મે માસમાં લોકસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. આ ચૂંટણીની તૈયારીઓ માટે તંત્ર કામે લાગી ગયું છે. તાજેતરમાં જ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હવે તા.૫ જાન્યુઆરીના રોજ અંતિમ મતદારયાદી જાહેર થશે. આ સાથે જ અગાઉ ઇવીએમ તેમજ વીવીપેટની ફર્સ્ટ લેવલની ચકાસણી કરવામાં આવી હતી અને હવે કર્મચારીઓની યાદી તૈયાર કરવા માટે તંત્ર કામે લાગી ગયું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી માટે વડોદરા શહેર અને જિલ્લાની કુલ ૧૦ વિધાનસભા બેઠકો માટે ૧૯ હજાર જેટલા કર્મચારીઓની જરૃર રહેશે. પોલિંગ સ્ટાફ માટેની યાદી તૈયાર કરવા માટે કર્મચારીઓના નામો મંગાવવામાં આવ્યા છે અને હાલ કર્મચારીઓના નામોની ડેટા એન્ટ્રી ચાલી રહી છે. અત્યાર સુધી આશરે ૮ હજારથી વધુ કર્મચારીઓની એન્ટ્રી કરવામાં આવી છે જ્યારે અન્ય કર્મચારીઓની એન્ટ્રી કરવાની કામગીરી ચાલી રહી છે.