વડોદરા, તા.23 કડક બજારના એક સિનિયર સિટિઝન દુકાનદારને ત્યાં છેલ્લા ૨૫ વર્ષથી પાણીની લાઈન ન હોવા છતાં કોર્પોરેશન દ્વારા બીજા કનેકશનોનો વેરો આ દુકાનદારને ફટકારે છે, જેથી તંગ આવી ગયેલા આ વેપારીએ હવે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
કોર્પોરેશનના ખાડે ગયેલા અણઘડ વહીવટથી વ્યથિત થઈ આ વેપારીએ કહ્યું હતું કે, આ મુદ્દે અનેકવાર વોર્ડ ઓફિસમાં રજૂઆતો કરી છે, વાંધા અરજી આમ છે, પરંતુ તેનું નિરાકરણ આવતું નથી. દુકાનના વેરામાં બીજાના પાણીનો વેરો એડ થઈને આવે છે. જેનો કનેકશન નંબરનો વેરા બિલમાં ઉલ્લેખ છે. વેરા બિલમાં સ્પષ્ટ ઉલ્લેખ ‘વન ટુ મેની’ કનેકશનનો છે, જેથી કોર્પોરેશન આ બિલ આપે છે.
વેરામાં જેમના નામનો ઉલ્લેખ છે, તેને વેરો નથી અપાતો, પરંતુ જેનું નામ નથી તેને વેરા બિલ અપાઈ રહ્યું છે. ૨૦૦ થી વધુ વખત કોર્પોરેશન અને વોર્ડ ઓફિસમાં ધરમધક્કા ખાનાર દુકાનદાર અનિલભાઈ કહે છે કે મારો કોઈ વાંક નથી, છતાં દુકાન સીલ થઈ જવાનો ભય રહે છે, એટલું જ નહીં સમાજમાં નામ ખરાબ થઈ જાય તો શું ? તેની પણ બીક સતાવતી રહે છે.