Vadodara Uttarayan Rescue : વડોદરા શહેર અને જિલ્લામાં ઉમંગ અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવેલા મકરસંક્રાતિમાં એક તરફ લોકો આકાશમાં પતંગ ઉડાવવાનો આનંદ માણતા હતા તો બીજી તરફ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓ ઉપરાંત 108 આપત્તકાલીન સેવાની એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. આ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયેલા 35 નાગરિકોને 108 મારફત દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.
ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગની 108 આપત્તકાલીન સેવાની એમ્બ્યુલન્સ સેવાએ ખડેપગે રહી હતી. તા.14ના એક જ દિવસે વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 328 લોકોએ મદદ માંગી હતી. જેમાંથી 260 દર્દીઓને દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 35 લોકો પતંગના દોરાથી ઘાયલ થયા હતા. આવી રીતે ઘાયલ દર્દીઓને પણ 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર કરાવવામાં આવી હતી.