વડોદરા, તા.10 વડોદરામાં આજે અગનગોળા વરસતા હોય તેવો ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો. મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની નજીક પહોંચી ગયું હતું. આ સાથે રાત્રિના તાપમાનમાં પણ વધારો નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. પાંચ દિવસમાં પાંચ ડિગ્રી તાપમાન વધ્યા બાદ આજે ૧.૪ ડિગ્રીનો કૂદકો માર્યો હતો. ગઇકાલે ૩૮.૪ ડિગ્રી તાપમાનની સામે આજે ૩૯.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ૪૦ ડિગ્રીની નજીક ગરમીનો પારો પહોંચી જતા આજે સવારથી જ લોકોએ તીવ્ર ગરમી અનુભવી હતી.
અગનગોળા વરસાવતી ગરમીના કારણે શહેરના અનેક રોડ પર ડામર પીગળવા લાગ્યો હતો અને વાહનચાલકોને વાહન ચલાવવા માટે અગવડ પડતી હતી. રાહદારીઓના ચંપલ ડામરમાં ચોંટી જતા હતાં. તીવ્ર ગરમીના કારણે બપોરના સમયે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. હવામાનખાતાના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૯.૮ અને લઘુત્તમ તાપમાન ૧.૨ ડિગ્રી વધીને ૨૧.૮ ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર-પશ્ચિમના પાંચ કિ.મી.ના ગરમ પવનોના કારણે ગરમીનો અહેસાસ વધુ થતો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે હજી બે દિવસ ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે.