વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે, તેમાં વિશ્વામિત્રીના ડી-૧ ઝોનમાં રાત્રિબજારની પાછળથી ટીટોડીના ચાર ઈંડા મળી આવતા તે બચાવી લેવાયા છે.
આ ઈંડાને કમાટીબાગના ઝૂ સ્થિત ઈન્ક્યુબેટરમાં તાપમાન અને ભેજનું પ્રમાણ ગોઠવીને રાખી દેવાયા છે. નદી કાંઠે ખોદકામ અગાઉ એનજીઓના સ્વયંસેવકોને આ ઈંડા મળ્યા હતા. ટીટોડી નદી અને જળાશય કાંઠે વસતું પક્ષી છે. જે ઈંડા જમીન પર મૂકે છે અને કાંકરા તેમજ માટી વચ્ચે ઈંડા સંતાડી દે છે, જેથી કોઈને જલદી મળતાં નથી. મે-જૂનમાં તેનો ઈન્ક્યુબેશન પીરિયડ પૂર્ણ થશે અને બચ્ચાં જન્મશે એટલે થોડા સમયમાં ફરી કુદરતના ખોળો મૂકી દેવાશે. એ અગાઉ ઝોન સી-૧ સયાજીગંજ વિસ્તારમાંથી પાણીનો કાચબો મળતા તેને નદીમાં ફરી છોડી દેવાયો હતો. કાચબાના ઈંડા મળ્યા હતા, તે ઈન્ક્યુબેશન ચેમ્બરમાં મૂકાયા છે. કાચબાના ઈંડાનો ઈન્ક્યુબેશન (ઈંડાનું સેવન) સમય ત્રણ ચાર મહિનાનો ઔહોય છે.