વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ટેસ્ટિંગ છેલ્લા કેટલાક વર્ષથી ફરજિયાત બનાવાયું છે.સત્તાધીશો દ્વારા એડમિશન સમયે રેડ ક્રોસ સોસાયટીની મદદથી વિદ્યાર્થીઓનુ ટેસ્ટિંગ કરવામાં આવે છે.
આ વર્ષે પણ વિવિધ ફેકલ્ટીઓના ૧૧૦૪૨ વિદ્યાર્થીઓનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતુ અને તેનું જે પરિણામ સામે આવ્યું છે તે પ્રમાણે ૪૪૧ વિદ્યાર્થીઓને થેલેસેમિયા માઈનોર હોવાનુ નિદાન થયું છે.જ્યારે ૨૮૮ વિદ્યાર્થીઓને સિકલ સેલની સમસ્યા હોવાનુ તેમજ ૨૭૫ વિદ્યાર્થીઓમાં લોહતત્વની ઉણપ હોવાનું સામે આવ્યું છે.
જે વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેવા વિદ્યાર્થીઓનું તા.૨૦ થી ૨૭ ડિસેમ્બર દરમિયાન બપોરે ૧૨-૩૦ થી ૧-૩૦માં કાઉન્સિલિંગ કરવામાં આવશે.
હેલ્થ સેન્ટરના સૂત્રોએ કહ્યું હતું કે, થેલેસેમિયા માઈનર હોય તેવા વ્યક્તિનું લગ્ન જો થેલેસેમિયા માઈનર વ્યક્તિ સાથે થાય તો તેમનુ સંતાન થેલેસેમિયા મેજરની બીમારીનો ભોગ બને તેવી શક્યતા વધી જતી હોય છે.આ એક વારસાગત સમસ્યા છે.જેમાં પરિવારના એક સભ્યનો થેલેસેમિયા માઈનોર રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તો અન્ય સભ્યોએ પણ થેલેસેમિયા ટેસ્ટ કરાવવો હિતાવહ છે.આ પ્રકારની જાણકારી વિદ્યાર્થીઓને કાઉન્સિલિંગ દરમિયાન આપવામાં આવશે.થેલેસેમિયા માઈનોર કોઈ ગંભીર સમસ્યા નથી અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે ઉદ્દેશથી કાઉન્સિલિંગ સેશન દર વર્ષે રાખવામાં આવે છે.