વડોદરા, તા.1 વર્ષ ૨૦૨૪-૨૫ હિસાબી વર્ષના અંતિમ મહિનામાં વડોદરા જિલ્લા તિજોરી કચેરી દ્વારા કુલ રૃા.૪૭૧૮.૪૨ કરોડની ચૂકવણી વિવિધ વિભાગો દ્વારા રજૂ કરવામાં આવેલા બિલો, સબસિડી તેમજ ગ્રાંટ પેટે કરવામાં આવી છે. સૌથી વધારે ચૂકવણી પાવર સેક્ટર માટે જીયુવીએનએલને કરાઇ છે.
વડોદરા તિજોરી કચેરી દ્વારા માર્ચ માસની કુલ ચૂકવણીમાં રૃા.૩૦૬૬.૮૮ કરોડ તો માત્ર જીયુવીએનએલની ખેડૂત, સોલાર, ફ્યૂઅલ પ્રાઇઝ અને વેસ્ટ લેન્ડને લગતી સબસિડી પેટે અપાયેલી રકમનો સમાવેશ થાય છે. જિલ્લા તિજોરી અધિકારી ગીતાબેન ગાવીતે જણાવ્યું હતું કે આ ઉપરાંત જીજીઆરસી ગુજરાત સરકારની માલિકીની કંપનીને રૃા.૨૫૦ કરોડ, આરોગ્ય વિભાગને રૃા.૮૬.૭૪ કરોડ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે પોલીસ વિભાગને રૃા.૫૬.૬૫ કરોડ તેમજ અન્ય વિભાગોને રૃા.૫૫૬.૫ કરોડની ચૂકવણી કરવામાં આવી છે.
નાણાંકિય વર્ષના અંતિમ માસમાં સરકારના વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલા બિલો સામે આ ચૂકવણી કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૫ના નાણાંકીય અંતિમ માર્ચ માસમાં જિલ્લા તિજોરી કચેરીને સ્ટેમ્પ ડયૂટી તેમજ અન્ય વેરા સહિત કુલ રૃા.૪૧૪૮.૭૭ કરોડની આવક થઇ છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા તિજોરી કચેરી દ્વારા માર્ચ એન્ડિંગમાં જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ તેમજ અન્ય સરકારી વિભાગો દ્વારા રજૂ કરવામાં આવેલા બિલો સામે પેમેન્ટ કરવામાં આવ્યું હતું. જેમાં આ વિભાગો દ્વારા રજૂ કરાયેલ લેટર ઓફ ક્રેડિટથી રૃા.૪૮૯.૪૨ કરોડની ચૂકવણી કરાઇ હતી.