વડોદરા : હરણી બોટ કાંડ બાદ ગુજરાત સરકારે બોટિંગ પ્રવૃત્તિ માટે બનાવેલા કડક નિયમોને કારણે ધાર્મિક સ્થળોએ બોટિંગ અને ફિશિંગ કરીને રોજીરોટી મેળવતા આશરે ૫૦ હજાર કુટુંબો મુશ્કેલીમાં મૂકાઇ ગયાં છે.
બોટ નિર્માણનું અને બોટ ડ્રાઇવરનું લાઇસન્સ, ફિટનેસ સર્ટિ., વીમો વગેરેના નિયમો આકરા કરતા પરેશાની
બોટિંગ પર જીવન નિર્વાહ ગુજારતા પરિવારો વતી ગુજરાત સરકારને નિયમો હળવા બનાવવા રજૂઆત કરાઇ છે. જે નિયમો બનાવ્યા છે, તેમાં બોટના ડ્રાઇવર (પાયલોટ) માટે લાઇસન્સ ફરજિયાત રાખ્યું છે. જેમ આરટીઓ વાહનચાલકને લાઇસન્સ આપે છે, તે રીતે બોટના ડ્રાઇવરને લાઇસન્સ આપતી ગુજરાતમાં કોઇ સંસ્થા નથી. બોટ બિલ્ડિંગનું એટલે કે બોટ બનાવનાર સંસ્થાનું લાઇસન્સ માગવામાં આવે છે. ગુજરાતમાં ફિશિંગ ઉપરાંત નદીઓમાં ધાર્મિક સ્થળો ખાતે જે બોટ ફરે છે તે મોટે ભાગે અલંગ શિપયાર્ડથી લવાયેલી હોય છે. અલંગથી લાવેલી બોટ ફ્રાન્સ, ઇટાલી કે બીજા કોઇ દેશમાં બનેલી હોય છે. બોટ ચલાવનાર ગરીબ માણસ ત્યાંનું લાઇસન્સ ક્યાંથી લાવે તે મોટો સવાલ છે. અમુક બોટ તો સ્થાનિક સ્તરે હાથે બનાવેલી હોય છે. જેની કોઇ સંસ્થા નથી હોતી. આ સિવાય બોટનું ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત બનાવ્યું છે. જે સરકાર માન્ય સંસ્થા પાસેથી લેવું પડે છે અને તેની ફી ઘણી ઊંચી છે જેમાં ફાયર એકિસ્ટીંગ્યુશર, લાઇફબોય, ચેન, એન્કર્સના ટેસ્ટ, વાર્ષિક સર્વે, માસિક મેન્ટેનન્સ, મેન્ટેનન્સ કર્યાના ફોટા અને વીડિયો ડોક્યુમેન્ટેશન જાળવવા, વીમો લેવો વગેરે બાબતો બોટિંગના વ્યવસાય સાથે સકળાયેલા ગરીબ અને ઓછું ભણેલા લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઇ છે. આ નિયમો કેવળ કડક જ નથી, પરંતુ બિનવ્યવહારૃ પણ છે .
વડોદરા પૂર્વ મેયર ડો. રાજેન્દ્રસિંહ રાઠોડની રજૂઆત મુજબ હાલ કેવડિયા અને સાબરમતી ખાતે ક્રૂઝ અને દ્વારકા તથા સાપુતારામાં બોટિંગ ચાલુ જ છે. શુકલતીર્થ, કબીરવડ જવા પણ હોડીઓ ફરે છે. નદીમાં રેતી ખનનમાં ચાલતી બોટોમાં હપ્તાબાજી ચાલે છે, એવો આક્ષેપ કરી તેમણે વેળાસર બોટ ચલાવવા નિયમો હળવા કરી મંજૂરી આપી ૫૦ હજાર કુટુંબો પરની આર્થિક ભીંસ દૂર કરવા માગ કરી છે.
નાવડીઓ ઉપર પ્રતિબંધના કારણે નર્મદા કાંઠા વિસ્તારના ૫૦૦થી વધુ નાવિક પરિવારોને બે ટંક ખાવાના પણ ફાંફા
વડોદરા જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારમાં ગામોમાં હોડી આજિવીકાનું સાધન છે. પરંતુ, વડોદરામાં હરણી તળાવની બોટ દુર્ઘટના બાદ એક વર્ષથી હોડી ઉપર પ્રતિબંધ હોવાથી ડભોઇ તાલુકાના પ્રસિધ્ધ તીર્થક્ષેત્ર ચાંણોદ, કરનાળી, શિનોર, માલસર, નંદેરીયા તથા કરજણ તાલુકાના નારેશ્વર, મોટી કોરલ સહિતના ગામોના આશરે એક હજારથી વધુ નાવિક પરિવારો આર્થિક સંકટમાં ઘેરાઇ ગયા છે. આ પરિવારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે અને સ્થિતિ એ હદે ખરાબ થઇ છે કે બે ટંક પુરતુ ખાવાનું પણ નસીબ થતુ નથી.
ચાંણોદ, કરનાળી, શિનોર, માલસર, નંદેરીયા, નારેશ્વર, મોટી કોરલના નાવિક પરિવારોના ઘરમાં બે ટંક ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે
ચાંણોદ વિસ્તારના નાવિકોનું કહેવું છે કે અમે એક વર્ષ પહેલા જ ૮૫૦ લાઇફ જેકેટ અને લાઇફ ગાર્ડ રિંગ ખરીદી લાવ્યા હતા અને ચાંણોદની ૧૦૩ નાવડીઓમા તેનું વિતરણ કર્યુ હતું. પરંતુ પ્રતિબંધ હજુ સુધી હટયો નથી એટલે નાવિકો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. જ્યારે કરજણ તાલુકાના નાવિકોનું કહેવું છે કે નારેશ્વર, મોટી કોરલ અને કહોણા ઘાટ ઉપર હરણી બોટ દુર્ઘટના બાદ બોટ ફેરી સર્વિસ ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ પ્રતિબંધ હાલમાં પણ અમલમાં છે. જેના કારણે નાવિકોના પરિવારોની રોજીરોટી બંધ થઇ ગઇ છે. નાવિકો અન્ય કોઇ વ્યવસાય જાણતા નહી હોવાથી ભારે મુશ્કેલીમાં મુકાયા છે. નાવિકો દ્વારા પ્રતિબંધ ઉઠાવવા અને ફેરી સર્વિસ શરૃ કરવા તંત્રને એક વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે. આ પ્રતિબંધના કારણે કરજણ તરફથી ભરૃચ જિલ્લામાં જવા માગતા લોકોને ૩૦ થી ૩૫ કિ.મી.નો ફેરો પડે છે. બોટ ચાલતી હતી ત્યારે આ કાંઠેથી સામે કાંઠે પાંચ મિનિટમાં પહોંચી જવાતુ હતું.
નાવિકોની વારંવારની રજૂઆત છતાં ૧૪ વર્ષથી નાવડીઓના પરવાના નથી અપાયા
ચાંણોદ નાવિક શ્રમજીવી મંડળના આગેવાનોનું કહેવું છે કે ચાંણોદમાં ૧૦૩, કરનાળીમાં ૩૦ અને નર્મદા જિલ્લામાં ૬૦ મળીને આશરે ૧૯૩ જેટલી નાવડીઓ હાલમાં છે. તંત્ર દ્વારા નાવડી, હોડી, બોટ ચલાવવા પરવાનો આપવામાં આવે છે. આ પરવાનો છેલ્લે ૨૦૧૧માં અપાયો હતો ત્યાર પછી સરકારે પરવાનો આપવાનું બંધ કરી દીધુ છે. ચાંણોદ તીર્થક્ષેત્ર ગુજરાતનું કાશી ગણાય છે. અહી નર્મદા, ઓરસંગ અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ઉપર અસ્થિ વિર્સજન માટે આખા દેશમાંથી લોકો આવે છે. આ ઉપરાંત શ્રાધ્ધ વિધિ, પિતૃ તર્પણ, પીન્ડ વિર્સજન સહિતની ધાર્મિક વિધિઓ અને અનુષ્ઠાન માટે હજારો લોકો આવે છે. નર્મદા તટ ઉપર આવેલા પ્રાચીન મંદિરોના દર્શન માટે ધસારો રહે છે. નર્મદા પરિક્રમાવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. ફિલ્મોની શૂટિંગ અહી થાય છે. આ તમામ લોકો માટે કાંઠા વિસ્તારમાં એક સ્થળે થી બીજા સ્થળે પહોંચવા હોડી મહત્વનું સાધન બની રહે છે. તેમ છતાં તંત્ર દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી હોડીનો પરવાનો આપવાનું બંધ કરાયુ છે.