કેન્દ્ર સરકાર દ્વારા 15માં નાણાંપંચની ભલામણો અનુસાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષ 2024-25 તથા 2025-26ની એર કવોલિટી સુધારણા પેટે ગ્રાંટ મળશે. આ માટે સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં 65. 40 કરોડના 13 કામો મંજૂરી માટે મૂકવામાં આવ્યા હતા .જોકે આ દરખાસ્ત મુલતવી રાખવામાં આવી હતી. આ કામો રોડ ,ગાર્ડન, આરોગ્ય અને સુએજ મિકેનિકલની કામગીરીને લગતા હતા. સ્ટેન્ડિંગ સમિતિમાં આ કામોનું લિસ્ટ મૂકવામાં આવ્યું હતું. પરંતુ આ કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરી કામોમાં ફેરફાર કરવાનું જણાતા કામો બદલવામાં આવે તેમ જણાઈ રહ્યું છે.15 માં નાણાંપંચની યોજના હેઠળ 2024-25ના નાણાકીય વર્ષમાં સરકાર દ્વારા વડોદરા શહેરને હવાની શુધ્ધતા માટે 25.96 કરોડ તથા 2025-26ના નાણાકીય વર્ષમાં સરકાર દ્વારા સંભવિત 31 કરોડ ગ્રાંટ મળનાર છે. આમ, 15માં નાણાંપંચની યોજના હેઠળ કૂલ 56.96 કરોડની ગ્રાંટની ફાળવણી કરવામાં આવનાર છે. ખર્ચ માટેની ગાઈડલાઇન મુજબ વડોદરા કોર્પોરેશને અગાઉના તમામ નાણાકીય વર્ષ સુધીમાં મળેલ ગ્રાંટનો ન્યૂનતમ 75% ગ્રાંટનો વપરાશ કરી સરકાર યુટીલાઇઝેશન સર્ટીફીકેટ રજૂ કરવા પડે. એ પછી મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ અને કલાયમેટ ચેન્જ દ્વારા નાણામંત્રાલય ખર્ચ વિભાગને આગળના વર્ષની ગ્રાંટ રીલીઝ કરવામાં ભલામણ કરવામાં આવે છે . જેના આધારે મહાનગરપાલિકાને ગ્રાંટની ફાળવણી કરવામાં આવે છે.