વડોદરા, તા.28 વડોદરા નજીક ખાનપુરના એક ફાર્મમાં લગ્નપ્રસંગમાં સુરતથી આવેલા વેપારીની કારનો કાચ તોડી અંદરથી સોનાના દાગીના, રોકડ તેમજ કપડાં ભરેલા છ થેલાની ચોરી થઇ હતી.
સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલી શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતા કપિલ પ્રાગજીભાઇ કસવાળાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રૂમેન્ટ મેન્યુફેક્ચરિંગનો ધંધો કરું છું. મારા કુંટુંબી કાકાના દીકરા ભાવેશ મધુભાઇ કસવાળાની બે દીકરીના લગ્ન હોવાથી હું મારી પત્ની ભારતી તેમજ અન્ય સંબંધીઓ કાર લઇને તા.૨૬ના રોજ બપોરે વડોદરા નજીક ખાનપુરમાં સાંઇ રુચી ફાર્મ ખાતે આવ્યા હતાં.
ફાર્મની દિવાલ પાસે કાર પાર્ક કરી હતી. કારની ડીકીમાં મારા તેમજ મારી સાથે આવેલા ભદ્રેશભાઇના કપડાંના છ થેલા મૂક્યા હતાં જે અમે લગ્ન પ્રસંગમાં પહેરવા માટે લાવ્યા હતાં. કારમાં પત્નીની બે સોનાની બંગડી, મંગળસૂત્ર, સોનાની ચેન તેમજ રોકડ ભરેલ પર્સ પણ મૂક્યું હતું. કાર લોક કરી અમે લગ્નપ્રસંગમાં ગયા હતાં. મોડી સાંજે સાડા સાત વાગે કપડાં બદલવા માટે ગાડીમાં થેલા લેવા માટે મારી પત્ની ગઇ ત્યારે કશુ જણાયું ન હતું.
દરમિયાન તપાસ કરતાં કારના પાછળના દરવાજાનો ગ્લાસ તૂટેલો હતો અને કપડાં તેમજ દાગીના મૂકેલ છ થેલા ગાયબ હતાં. કુલ રૃા.૨.૨૨ લાખની મત્તા ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે એક જ રાત્રે સેવાસી, ખાનપુરમાં આવેલા બે પાર્ટી પ્લોટમાં લગ્નમાં ચોરીની ઘટના બની હતી. પોલીસે ચોરી કરીને ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.