વડોદરાઃ વડોદરા શહેરની વધી રહેલી વીજ માગને ધ્યાનમાં રાખીને જેટકો( ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન) દ્વારા ૬૬ કેવીની ક્ષમતાના નવા સાત સબ સ્ટેશનનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે.આ સબ સ્ટેશનો બનાવવા પાછળ ૧૫૦ કરોડ રુપિયાના ખર્ચનો અંદાજ છે.
વીજ ઉત્પાદન કરતા પાવર પ્લાન્ટથી જે તે વીજ વિતરણ કંપની સુધી વીજળી પહોંચાડવા માટે ટ્રાન્સમિશન લાઈનો અને સબ સ્ટેશન ઉભા કરવાની કામગીરી જેટકો સંભાળે છે.સબ સ્ટેશનથી વીજ ગ્રાહકો સુધી વીજળી પહોંચાડવાની કામગીરી વીજ વિતરણ કંપનીની હોય છે.હાલમાં વડોદરામાં વીજ સપ્લાય માટે જેટકોના ૧૯ સબ સ્ટેશનો કાર્યરત છે.આ પૈકી માંજલપુરનું સબ સ્ટેશન ગત વર્ષે જ કાર્યરત થયું છે.
સૂત્રોનું કહેવું છે કે, આ ઉપરાંત જેટકોના બીજા સાત સબ સ્ટેશનોનું નિર્માણ થવા જઈ રહ્યું છે.જેની પાછળનો ઉદ્દેશ વડોદરા શહેરમાં વીજ સપ્લાયની ગુણવત્તા વધારવાનો તેમજ લાઈન લોસ ઘટાડાવનો અને રુફ ટોપ સોલર એનર્જીનું વીજ લાઈનોમાં ઝડપથી ઈન્ટિગ્રેશન કરવાનો છે.નવા સબ સ્ટેશનોના કારણે શહેરના ફતેગંજ, અટલાદરા, બિલ, ભાયલી, વડસર વિસ્તારના, સયાજીપુરા એટલે કે આજવા રોડની આસપાસના વિસ્તાર, સલાટવાડા એટલે શહેર વિસ્તારના વીજ ગ્રાહકોને ફાયદો થશે
વીજ કંપનીના સૂત્રોનું કહેવું છે કે, ગત વર્ષે શહેરના સૌથી ઝડપથી વિકસતા ભાયલી, અટલાદરા અને સનફાર્મા રોડ વિસ્તારમાં ઉનાળા દરમિયાન વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જવાની ફરિયાદો ઉભી થતી હતી.આ વિસ્તારમાં ત્રણ નવા સબ સ્ટેશન કાર્યરત થયા બાદ વીજળી ગુલ થવાની ફરિયાદોમાં ઘટાડો થશે.
નવા સબ સ્ટેશનોનું નિર્માણ કયા તબક્કામાં છે
–સયાજીપુરા અને ફતેગંજના સબ સ્ટેશનનું નિર્માણ બે મહિનામાં પૂરુ થશે
–વડસરનું સબ સ્ટેશનનું કામ લગભગ પુરુ થઈ ગયું છે અને બહુ જલ્દી કાર્યરત કરાશે
–સલાટવાડાના સબ સ્ટેશનનું કામ ડિસેમ્બર મહિનામાં પુરુ થશે
–અટલાદરા, બિલ અને ભાયલીના નવા સબ સ્ટેશનો માટે જમીન સંપાદન થઈ ચૂકી છે.તેના બાંધકામ માટે આગામી દિવસોમાં ટેન્ડરો મંગાવાશે.બાંધકામ ફેબુ્રઆરીમાં પૂર્ણ થવાનો અંદાજ
એક વર્ષમાં ૩૦,૦૦૦ વીજ ગ્રાહકો વધ્યા
મળતી વિગતો પ્રમાણે છેલ્લા એક વર્ષમાં વડોદરા શહેરમાં નવા ૩૦૦૦૦ જેટલા ગ્રાહકોનો ઉમરો થયો છે.જેના કારણે શહેરની વીજ માગમાં પણ ૧૦ ટકાનો વધારો થયો છે. ભવિષ્યમાં પણ વીજ ગ્રાહકો અને વીજ માગમાં સતત વધારો જ થવાનો છે તે બાબતને ધ્યાનમાં રાખીને નવા સબ સ્ટેશનો બનાવવા જરુરી છે.