વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના ખાડે ગયેલા વહીવટના કારણે વિદ્યાર્થીઓને રોજ સહન કરવાનો વારો આવી રહ્યો છે અને યુનિવર્સિટીના સત્તાધીશોને સમસ્યાઓ તથા ફરિયાદોનો નિકાલ લાવવાની કોઈ પરવા નથી.રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તો એમ.એસ.યુનિવર્સિટીની સંદતર ઉપેક્ષા કરવાની જાણે પ્રતિજ્ઞાા લીધી છે.
યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીના બિઝનેસ મેનેજમેન્ટ વિભાગમાં આઠ હંગામી અધ્યાપકો નોકરી છોડીને જતા રહ્યા હોવાની વિગતો સપાટી પર આવી છે.હવે આ વિભાગમાં માત્ર ચાર જ હંગામી અધ્યાપકો રહ્યા છે.જેમના પર ઉત્તરવહીઓ તપાસવાનો ભાર આવી ગયો છે.આ સંજોગોમાં એફવાયની તાજેતરમાં લેવાયેલી ૨૦ માર્કસની ઈન્ટરનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં વિલંબ થઈ શકે છે.
ફેકલ્ટીની અધ્યાપક આલમમાંથી મળતી જાણકારી પ્રમાણે યુનિવર્સિટી સત્તાધીશોએ ઈન્ટરવ્યૂ યોજાયા ત્યારે બિઝનેસ મેનેજમેન્ટ વિભાગ માટે હંગામી અધ્યાપકોની ૧૨ જેટલી પોસ્ટ મંજૂર કરી હતી.એ પછી નવું શૈક્ષણિક વર્ષ શરુ થયું ત્યારથી લઈને અત્યાર સુધી આઠ હંગામી અધ્યાપકો નોકરી છોડી ગયા છે.બાકીના ચાર અધ્યાપકોથી માંડ માંડ કોર્સ પૂરો કરવામાં આવ્યો હતો.
જોકે ખરી મુશ્કેલી ઉત્તરવહીઓ તપાસવામાં આવી રહી છે.એફવાયબીકોમની ઈન્ટરનલ પરીક્ષા બાદ એક અધ્યાપકને ૨૦૦૦ થી ૨૨૦૦ પેપરો તપાસવાનો વારો આવ્યો છે.સામાન્ય રીતે દરેક અધ્યાપકને ૬૦૦ થી ૭૦૦ જ પેપર તપાસવાના હોય છે.આમ એફવાયની ઈન્ટરનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં વિલંબ થાય તેવી શક્યતાઓ છે.