વડોદરા : ગુજરાતમાં દર વર્ષે ઔદ્યોગિક અકસ્માતોમાં સરેરાશ ૨૦૦થી વધુ કામદારોના મોત થાય નોંધાય છે. આ અત્યંત ગંભીર બાબત હોવા છતાં સરકાર આ મામલે સંપૂર્ણ નિષ્ક્રિય છે. વળતર આપીને અસરગ્રસ્તોને ચૂપ કરી દેવામાં આવે છે અને તપાસ સમિતિઓ રચીને મામલાને અભેરાઇએ ચઢાવી દેવાય છે. કહેવાતા શિક્ષિત અને જાગૃત લોકો પણ આ મામલે ચૂપ છે. તેમ આજે ગુજરાત રિફાઇનરી બ્લાસ્ટ મામલે વડોદરાના પર્યાવરણ ક્ષેત્રે ચળવળકારો રોહિત પ્રજાપતિ અને જગદીશ પટેલે કહ્યું હતું.
બન્ને ચળવળકારોનું કહેવું છે કે ‘ગુજરાત સરકાર માટે આ અકસ્માત નથી, રૃટીન છે. ક્યારેક છમકલુ થાય તો ક્યારેક મોટી ઘટના બને, બે-ચાર મરે કે પચાસ મરે શું ફરક પડે છે. વળતર આપીને ચૂપ કરી દેવામાં આવશે. કલેક્ટર તપાસનો હૂકમ કરશે. તપાસ સમિતિને રિપોર્ટ સોંપવા સમય મર્યાદા નક્કી થશે. સમય મર્યાદા પુરી થયા બાદ સમિતિ તપાસ બાકી હોવાનું કારણ ધરીને વધુ છ-આઠ મહિના માગશે.ત્યાં સુધીમાં લોકો અકસ્માત ભુલી જાય છે, નવો અકસ્માત સર્જાય છે એટલે નવી સમિતિની રચના થાય છે.
ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થના આંકડાઓ મુજબ ગુજરાતમાં વર્ષ ૨૦૧૮થી ૨૦૨૨ દરમિયાન પાંચ વર્ષમાં ઔદ્યોગિક અકસ્માતોમાં વડોદરામાં ૬૫ મળીને રાજ્યમાં કુલ ૯૯૨ કામદારોના મોત થયા છે. આ ૯૯૨ મોત માટે તપાસ સમિતિઓ રચાઇ હતી. આ તપાસ સમિતિઓએ કરેલી તપાસના રિપોર્ટ જાહેર કરાયા નથી. આંતરરાષ્ટ્રિય ધારા ધોરણ પ્રમાણે અકસ્માતોને એક બીજા સાથે સાંકળીને તેની વૈજ્ઞાાનિક ઢબે તપાસ કરીને રિપોર્ટ જાહેર કરવા જોઇએ. દર પાંચ વર્ષે આવી તમામ ઘટનાઓની સમીક્ષા અને મૂલ્યાંકન થવુ જોઇએ.પરંતુ આપણે અહી આવી ઘટનાઓ પછી કોઇ ગંભીર ફોલોઅપ થતું નથી.
જિલ્લા પ્રમાણે પાંચ વર્ષમાં ઔદ્યોગિક અકસ્માતમાં કામદારોના મોતની સંખ્યા
જિલ્લો ૨૦૧૮ ૨૦૧૯ ૨૦૨૦ ૨૦૨૧ ૨૦૨૨
અમદાવાદ ૨૪ ૨૭ ૨૧ ૨૮ ૨૬
ભરૃચ ૨૩ ૧૮ ૨૨ ૧૮ ૧૭
ભાવનગર ૧૬ ૮ ૩ ૧૨ ૯
ગાંધીનગર ૭ ૯ ૪ ૭ ૧૪
કચ્છ ૧૫ ૧૩ ૧૦ ૧૬ ૧૭
મોરબી ૨૯ ૩૨ ૨૨ ૧૩ ૧૮
મહેસાણા ૩ ૧ ૫ ૮ ૧૧
રાજકોટ ૧૭ ૯ ૧૦ ૮ ૯
સુરત ૩૫ ૨૯ ૨૮ ૩૭ ૨૬
વડોદરા ૧૮ ૧૦ ૭ ૧૬ ૧૪
વલસાડ ૨૨ ૧૭ ૧૯ ૧૬ ૧૮
અન્ય જિલ્લાઓમાં ૨૭ ૧૫ ૧૬ ૨૩ ૨૦
કુલ ૨૩૬ ૧૮૮ ૧૬૭ ૨૦૨ ૧૯૯