aએસએસજી હોસ્પિટલનો બાળરોગ વિભાગ જ્યાં બાળકીએ અંતીમ શ્વાસ લીધા |
વડોદરા : ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી શ્રમજીવીઓની વસાહતમાં ગત ૧૬ ડિસેમ્બરે બનેલી રેપની ઘટનામાં પીડિત ૧૦ વર્ષની બાળકી વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં છેલ્લા એક સપ્તાહથી મોત સામે ઝઝૂમી રહી હતી. આજે તે મોત સામે હારી ગઇ હતી અને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બાળકીના મોતની ખબર સાંભળતા જ તેની માતા બેભાન થઇ ગઇ હતી અને પિતાના રોઇ રોઇને બેહાલ થઇ ગયા હતા. બાળકીની સારવારમા લાગેલા ૧૦ વિભાગના ડોક્ટરો અને સ્ટાફની આંખમાં પણ આંસુ જોવા મળી રહ્યા હતાં.
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી શ્રમજીવી વસાહતમાં તા.૧૬ ડિસેમ્બરે ૧૦ વર્ષની બાળકી ઉપર બળાત્કારની ઘટના બની હતી. શ્રમજીવી વસાહતમાં પડોશમાં રહેતા ઝારખંડના આરોપી વિજય પાસવાને કુમળી બાળકીને પીંખી નાખી હતી. બળાત્કાર પહેલા વિજય પાસવાને બાળકીના મોઢા ઉપર પથ્થરથી અનેક વાર કરીને બાળકીના ચેહરાને લોહી લુહાણ કરી નાખ્યો હતો. માસુમ, લાચાર બાળકી ચીસો પાડતી રહી પરંતુ આસપાસમાં બાચવનાર કોઇ નહતું. પિશાચ બનેલા વિજય પાસવાની સામે બાળકીનું કશુ ચાલ્યુ નહી. બાળકી ઉપર બળાત્કાર બાદ વિજય પાસવાને ગુપ્ત ભાગમાં સળિયો નાખીને ગૃપ્તાંગ અને પેટમાં-આંતરડામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
બાળકીને બેભાન હાલતમાં જ પહેલા ભરૃચની હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરાઇ હતી. અહી આંતરડાનું ઓપરેશન કરવામાં આવ્યુ હતું. જે બાદ વધુ સારવાર માટે બાળકીને વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.અહી નિદાન દરમિયાન જાણવા મળ્યુ કે આંતરડાના ઓપરેશનમા એક ટાંકો તૂટી જતા ઇન્ફેક્શન ફેલાયુ છે એટલે ગત બુધવારે એસએસજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં બાળકીનું ફરીથી ઓપરેશન કરાયુ હતું. જો કે તે બાદ પણ બાળકીની તબિયતમાં સુધારો આવ્યો નહતો અને આજે મોડી સાંજે તેણે અંતિમ શ્વાલ લીધા હતા.
ત્રણ કલાકમાં બે વખત હાર્ટ એટેક આવ્યા, બીજો જીવલેણ સાબિત થયો
બાળકીના મૃત્યુ પહેલાના ઘટનાક્રમ અંગે પત્રકારો સાથે વાત કરતા એસએસજી હોસ્પિટલના ઇન્ચાર્જ આર.એમ.ઓ. ડો. હિતેન્દ્ર ચૌહાણે કહ્યું હતું કે ‘આજે બપોરે ૨ વાગ્યે બાળકીને કાર્ડિઆક એરેસ્ટ થયો હતો. તે સમયે હાજર ડોક્ટરોની ટીમે તુરંત બચાવ કામગીરી શરૃ કરી હતી અને થોડી મિનિટોમાં બાળકીના હાલત સ્થિર થઇ હતી.’
ઇન્ટરનલ ઇન્જરી, ઇન્ફેક્શન, ઓર્ગન ફેઇલ્યો અને કાર્ડિઆક એરેસ્ટ જેવા કારણોથી મોત થયુ
‘જે બાદ સાંજે ૫.૧૫ કલાકે ફરી કાર્ડિઆક એરેસ્ટ થયો હતો. ડોક્ટરોની ટીમે ફરીથી બાળકીને સ્ટેબલ કરવા માટેના પુરતા પ્રયત્ન કર્યા હતા. એક કલાક સુધી ડોક્ટરો મહેનત કરતા રહ્યા પરંતુ સાંજે ૬.૧૫ કલાકે બાળકીએ દમ તોડયો હતો. બાળકીના મૃત્ય માટે ઘણા કારણો જવાબદાર છે જેમાં ઇન્ટરનલ ઇન્જરી, ઇન્ફેક્શન, ઓર્ગન ફેઇલ્યોર અને કાર્ડિઆક એરેસ્ટ મુખ્ય છે. બાળકીના પરિવારને જાણ કરી દેવાઇ છે. પરિવારની સ્થિતિ ખુબ ખરાબ છે અને ડોક્ટરો તેને સાંત્વના આપી રહ્યા છે.’
બાળકીને આંતરિક ઇજાઓ ગંભીર હતી, પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયું હતું
એસએસજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં રેપ પીડિતા ૧૦ વર્ષની બાળકીની સારવાર કરનાર ડોક્ટરોનું કહેવું છે કે ‘તેને અહી લાવવામાં આવી ત્યારે જ હાલત અત્યંત ગંભીર હતી. અમે અમારી પ્રેક્ટિસના ૩૦ વર્ષમાં આટલી નાની બાળકીને આટલી ગંભીર ઇજાઓ ક્યારેય જોઇ નથી. એસએસજી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ ૨૪ કલાક બાળકીના જીવ બચાવવા માટે પ્રયત્ન કરી રહી હતી. સળિયો આંતરડા સુધી ઘુસી ગયો હોવાથી આંતરિક ઇજાઓ ગંભીર હતી. પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયુ હતું. બાળકીનું વજન પણ ઓછુ હતુ અને રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી ગઇ હતી. દવાઓની અસર થતી નહતી.