વડોદરા, તા.5 વાઘોડિયામાં ઘરનો સામાન ખરીદી ઘેર જતી વખતે રસ્તામાં અચાનક રોડ પર આવી ગયેલી ગાય સાથે બાઇક અથડાતા પટકાયેલા બે મિત્રો પૈકી એકનું ઘટનાસ્થળે કરૃણ મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે લીમખેડાના પાણીયા ગામનો મૂળ વતની પરંતુ હાલ વાઘોડિયા તાલુકાના ગુગલીયાપુરા ગામે શિવદર્શન સોસાયટીમાં રહેતો દશરથ કલ્પેશભાઇ પટેલ તા.૩ની સાંજે તેના મિત્ર દિલીપ અમરસીંગ બારિયા સાથે ઘેર જતી વખતે વાઘોડિયામાં ઘરનો સામાન ખરીદવા માટે ગયા હતાં. બંને સામાન ખરીદ્યા બાદ વાઘોડિયામાં પાણી પૂરી ખાવા ઊભા રહ્યા હતાં.
થોડા સમય બાદ બાઇક લઇને બંને પોતાના ગામ જવા નીકળ્યા હતા ત્યારે બજાજ શો રૃમ પાસે રોડ પર અચાનક ગાય આવી જતા ચાલક દિલીપે બાઇક પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બંને મિત્રો રોડ પર પટકાયા હતાં. આ વખતે લોકો ભેગા થઇ જતા ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. પરંતુ સ્થળ પર જ દિલીપનું મોત નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. અકસ્માતમાં દશરથને ઇજા થઇ હતી. આ અંગે વાઘોડિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.