જમનાબાઇ હોસ્પિટલના ખાંચામાં આવેલી દુકાનના માલિકની મુંબઇ એ.ટી.એસ.દ્વારા પૂછપરછ
Updated: Dec 29th, 2023
વડોદરા,બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો મેલ કરવા માટે જે ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ થો હતો. તે ઓપ્ટિકની દુકાનના માલિકની મુંબઇ એ.ટી.એસ.ની ટીમે પૂછપરછ કરી હતી. જોકે, તેમાં દુકાન માલિકની કોઇ સંડોવણી નહીં જણાતા એ.ટી.એસ.ની ટીમ તેનું નિવેદન લઇ પરત મુંબઇ રવાના થઇ ગઇ છે.
કેન્દ્રીય નાણાં પ્રધાન અને આરબીઆઇના ગવર્નર બુધવાર સુધી રાજીનામુ નહીં આપે તો બુધવાર બપોરે દોઢ વાગ્યા પછી ૧૧ સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. તેવા ધમકીભર્યા ઇમેલના પગલે આ કેસની તપાસ દરમિયાન ન્યૂ તાંદલજા વિસ્તારમાં રહેતા મોહંમદઆર્શિલ મોહંમદઇકબાલ તુપાલ, પાણીગેટ મેમણ કોલોનીમાં રહેતા વસિમરાજા અબ્દુલરજાક મેમણ તથા પાદરાના રણુ ગામે રહેતા આદિલ રફિકભાઇ મલેકને મુંબઇ પોલીસ લઇ ગઇ હતી. જે આઇ.પી.એડ્રેસ પરથી મેલ થયો હતો. તેને શોધતા મુંબઇ એ.ટી.એસ.ની ટીમ વડોદરા આવી હતી. ડીસીબી પોલીસની મદદ લઇ ટીમ જમનાબાઇ હોસ્પિટલના ખાંચામાં આવેલી ઓપ્ટિકની દુકાને પહોંચી હતી. દુકાન માલિકની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, બે મહિના પહેલા મોહંમદ આર્શિલ આવ્યો હતો. તેણે જમાતના લોકોના ફોર્મ ભરવાના બહાને મારી દુકાનના વાઇફાઇનો પાસવર્ડ માંગતા મેં આપ્યો હતો. તેણે ક્યાં મેલ કર્યો ? તેની મને જાણ નથી.