વડોદરા,ન્યૂ અલકાપુરીની વુડબોન્ડ કેફેમાં થયેલી મારામારી અંગે હોટલના મેનેજરે નોંધાવેલી ફરિયાદ બાદ આજે સામા પક્ષે પણ હોટલના સ્ટાફ સામે ફરિયાદ નોંધાવી છે. જે અંગે લક્ષ્મીપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગોત્રી નારાયણ ગાર્ડન રોડ વિશ્રાંતિ એસ્ટેટમાં રહેતા પ્રવિણભાઇ સાજનભાઇ ભરવાડે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા. ૫ મી જાન્યુઆરીએ હું તથા મારો કૌટુંબિક ભાઇઓ કેવલ તથા મેહુલ સાથે નારાયણ ગાર્ડન રોડ પર પાનની દુકાન પર બેઠો હતો. તે દરમિયાન કેવલને કોલ આવ્યો હતો કે, ખેંગાર ભરવાડ સાથે વુડબોન્ડ કેફેના માલિકના વેઇટરો સાથે બોલાચાલી થઇ છે.જેથી, અમે બધા ત્યાંથી ઉઠીને કેફેમાંજવા નીકળ્યા હતા. તે દરમિયાન ખેંગાર ભરવાડ રસ્તામાં મળતા તેણે કહ્યું કે,કેફેના વેઇટરોએ મારી સાથે ગાળાગાળી કરી હુમલો કર્યો છે. ત્યારબાદ અમે બધા કેફે પર ગયા હતા. ત્યાં જઇને અમે કહ્યું કે, ગાળાગાળી કરનાર છોકરાઓ ક્યાં છે ? તેઓને બોલાવો. કાઉન્ટર પર બેઠેલા યુવકે કહ્યું કે, અમે કોઇને ઓળખતા નથી. તમે આગળ જાવ. ત્યારબાદ કેફેના મેનેજર તથા વેઇટરોએ અમારી સાથે ઝપાઝપી કરી હતી. ઝપાઝપી દરમિયાન મને માથામાં કોઇએ પાઇપ મારી દીધી હતી.ત્યારબાદ અન્ય એક હુમલાખોરોએ કેફેની ખુરશી વડે અમને માર માર્યો હતો. જેના કારણે મને પાંચ ટાંકા આવ્યા હતા.