વડોદરાઃ ખેડૂતોને કેન્દ્ર સરકારના ૨૦૦૦ ના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને તા.૨૫ નવેમ્બર સુધી તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે.
આધારકાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે.આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૃ થઈ ગઈ છે અને તેમાં રજિસ્ટ્રેશન નહિ કરાવનારને સરકારી યોજનાઓ તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પણ નહિ મળે.
વડોદરા જિલ્લા પંચાયત ના ખેતીવાડી અધિકારી નીતિન વસાવા એ કહ્યું છે કે, દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગ્રામ પંચાયતમાં રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે.અમારા ગ્રામ સેવકો તલાટીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ લોકોમાં જાગૃતિ લાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે.
રજિસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમના આધાર કાર્ડ, આધારકાર્ડ સાથે લિન્ક કરેલો મોબાઈલ અને સર્વે નંબર ૭/૧૨ તેમજ ૮ અ ના પુરાવા રજૂ કરવાના રહેશે.જે ખેડૂતો નું રજિસ્ટ્રેશન થયેલું હશે તેઓને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ,લઘુત્તમ ટેકા ભાવ (MSP) અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ(e-NAM) જેવી યોજનાઓનો લાભ મળશે.