Vadodara : વડોદરા શહેરમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે ત્યારે રોજ સવારે વિવિધ વિસ્તારોના બગીચાઓમાં મોર્નિંગ વોકર્સની સંખ્યામાં વધારો થયો છે ત્યારે સંગીતના તાલે મોર્નિંગ વોક કરવાનું આકર્ષણ વધ્યું છે. મોબાઈલમાં ઈયરફોન લગાવી સંગીત સાંભળનારા તો જોવા મળે છે પરંતુ વડોદરાના એક ગ્રુપ દ્વારા કરાવોકે મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ કરી ગીત સંગીતથી મોર્નિંગ વોકર્સનું દિલ ગાર્ડન ગાર્ડન કરી રહ્યા છે.
શિયાળામાં અબાલ યુવાન વૃદ્ધ દરેક વ્યક્તિ વહેલી સવારે વિવિધ વિસ્તારોમાં આવેલા બગીચાઓમાં મોર્નિંગ યોગા કે કસરત કરવા પહોંચી જાય છે ઘણીવાર તો મોર્નિંગ વોકર્સની સંખ્યા વધી જવાથી નાના બગીચામાં તો જાણે મેળો ભરાયો હોય તેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. વહેલી સવારે ઠંડીના ચમકારા વચ્ચે મોર્નિંગ વોક યોગા કે કસરત માટે આવનારા માટે ગીત સંગીતનું એક ગ્રુપ આકર્ષણ રૂપ બન્યું છે. વડોદરાનું એક મ્યુઝિકલ ગ્રુપ શહેરના વિવિધ બગીચાઓમાં જઇને સવારે તેમજ સાંજે શારીરિક તંદુરસ્તી માટે ચાલવા, કસરત તેમજ યોગા કરવા આવતા અને ગાર્ડનમાં ફરવા આવતા સહેલાણીઓને નવા-જૂના ગીતો રજૂ કરીને મનોરંજન પૂરું પાડી રહ્યું છે. વીર મ્યુઝિક ગ્રુપના કલાકારોએ જણાવ્યું હતું કે, લોકોને મનોરંજન પૂરું પાડવા સાથે અમારા ગીતો ગાવાનો શોખ પણ પૂરો કરી રહ્યા છે. તો ગાર્ડનમાં વોકિંગ, કસરત યોગા કરવા આવતા અને ફરવા આવતા સહેલાણીઓએ જણાવ્યું હતું કે, નવાજૂના ગીતો સાથે અમોને વોકિંગ, કસરત, યોગા કરવાની અને ફરવાની મજા આવે છે.