બેન્ક દ્વારા બાકી નીકળતા નાણાંની વસુલાત માટે કાર્યવાહી કરાઇ હતી
Updated: Dec 21st, 2023
વડોદરા,છપ્પનભોગ હોટલના સંચાલક દ્વારા બેન્કની બાકી પડતી લોન ભરપાઇ નહીં કરવામાં આવતા બેન્ક દ્વારા સિક્યુરાઇઝેશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવતા બેંકે મિલકતનો કેટલોક ભાગ સીલ કરવાનો હુકમ કર્યો છે.
અકોટામાં રહેતા રાજકુમાર પિલ્લાઇએ જણાવ્યું હતું કે,અલકાપુરીની છપ્પનભોગ હોટલના સંચાલકને છેલ્લા ૧૨ વર્ષથી કોઇ બેંક લોન આપતી નહતી. જેથી, મેં એક ખાનગી બેન્કમાંથી લોન અપાવી હતી. તેઓને વર્ષ – ૨૦૧૮માં ૮૮ લાખ તેમજ ૨૦૧૯માં ૨.૧૨ કરોડની લોન અપાવી હતી. ત્યારબાદ તેઓએ લોન ભરપાઇ કરી નહતી. હું અને મારા જમાઇ તેમની લોનમાં ગેરંટર હતા. તેઓની લોનના ૮૭ લાખ મેં ભરપાઇ કર્યા છે. બેન્ક દ્વારા ૩.૦૧ કરોડની વસુલાત માટે નોટિસ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ બેન્ક દ્વારા કોર્ટમાં ધી સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એનફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી એક્ટની કલમ હેઠળ મે.રિટેઇલ્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, વર્ષા અમીન, હર્ષિલ અમીન સહિત અન્ય સામે અરજી કરવામાં આવી હતી. બેન્કે કુલ જે અંગે કોર્ટે છપ્પનભોગ હોટલવાળી બિલ્ડીંગની ચાર પ્રોપર્ટીનો પ્રત્યક્ષ કબજો બેેકને સુપરત કરવા માટે હુકમ કર્યો હતો. અને કોર્ટ કમિશનર દ્વારા આ મિલકતને સીલ મારવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ બિલ્ડીંગમાં ચાલતી છપ્પનભોગ હોટલની મિલકતનો કેટલોક ભાગ સીલ કરવામાં આવી હોવાનું વકીલે જણાવ્યું છે.