વડોદરા,શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં છેલ્લા ૧૦ દિવસથી સારવાર લઇ રહેલી ગૃહિણી બ્રેનડેડ જાહેર થતા ડોક્ટરની સમજાવટના કારણે પરિવારજનો ઓર્ગન ડોનેટ કરવા તૈયાર થયા હતા. કિડની, લિવર, હાર્ટ અને બે આંખોનું ડોનેશન કરવામાં આવતા છ લોકોના જીવનમાં નવી રોશની ફેલાશે.
વાઘોડિયા રોડ પર રહેતી ૪૮ વર્ષની મહિલાને બ્રેન સ્ટ્રોક આવતા સારવાર માટે પાણીગેટ આયુર્વેેદિક વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ૧૦ દિવસ સુધી મહિલાની સારવાર ચાલી હતી. મહિલાના મગજમાં બે ટયૂમર હતા. ગઇકાલે રાતે મહિલાને બ્રેનડેડ જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલના ડોક્ટર દ્વારા પરિવારજનોને ઓર્ગન ડોનેટ માટે સમજાવવામાં આવ્યા હતા. પરિવારજનોએ સંમતિ દર્શાવતા ઓર્ગેન ડોનેશનની પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી. રેલવે હોસ્પિટલના ડો.દિપાલી તિવારીએ તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આજે હૈદ્રાબાદથી ડોક્ટરોની ટીમ આવી હતી. મહિલાના લિવર, કિડની, હાર્ટ અને બે આંખોને ઓપરેશન કરી સલામત રીતે કાઢી સુરત અને અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા હતા. ડોનેટ કરેલા ઓર્ગન સહી સલામત અને ઝડપથી નિયત સ્થળે પહોંચાડવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા બે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા. એક ગ્રીન કોરિડોર હોસ્પિટલથી અમદાવાદની હોસ્પિટલ સુધી અને બીજો ગ્રીન કોરિડોર વડોદરાની હોસ્પિટલથી સુરતની હોસ્પિટલ સુધી કરી આપવામાં આવ્યો હતો. જેથી, એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઇ ના જાય. વડોદરા પોલીસ દ્વારા શહેર જિલ્લાની હદ પૂરી થયા પછી જે નવા જિલ્લાની હદ શરૃ થાય છે. તે જિલ્લાના પોલીસ તંત્ર સાથે મળીને છેક સુધી ગ્રીન કોરિડોર પૂરો પાડવામાં આવશે.