Updated: Jan 3rd, 2024
વડોદરાઃ કારેલીબાગ પોલીસે દારૃનો નશો કર્યો હોવાનું સમજી પકડેલા એક યુવકની અસામાન્ય હરકતો જોતાં તે ડ્રગ્સ એડિક્ટ બની ગયો હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં મોકલી આપ્યો છે.
પોલીસે ન્યુ યર સેલિબ્રેશનની ઉજવણી દરમિયાન દારૃના નશમાં છાકટા બનતા યુવક- યુવતીઓને પકડવા માટે વિશેષ અભિયાન ચલાવ્યું હતું.જે દરમિયાન કારેલીબાગ પોલીસે એક યુવકને દારૃના નશો કર્યો હોય તેવી હાલતમાં પકડી પાડી કેસ કર્યો હતો.
પરંતુ પોલીસ સ્ટેશનમાં તેની વિચિત્ર હરકતો જોઇ પોલીસ પણ દંગ રહી ગઇ હતી.ડીસીપી પન્ના મોમાયાના માર્ગદર્શન મુજબ પોલીસે તપાસ કરતાં યુવક ડ્રગ્સ એડિક્ટ હોવાનું ખૂલ્યું હતું.અંગ્રેજી માધ્યમમાં ધોરણ-૧૦ સુધી અભ્યાસ કરનાર યુવકે બાર વર્ષની વયે થીનર સૂંઘી નશો કરવાની શરૃઆત કરી હતી.
ત્યારબાદ તેણે નશાની ચીજો વધારવા માંડી હતી.એક તબક્કે તેણે ઘરમાં તોડફોડ કરી માતા અને બહેન પર પણ હુમલા કરવા માંડયા હતા.યુવકના પિતાએ આત્મહત્યા કર્યા બાદ તે વધુ ડિપ્રેસનમાં ચાલ્યો ગયો હતો અને ગાંજો-ચરસ જેવા ડ્રગ્સની લતે ચડયો હતો.
કારેલીબાગના પીઆઇ સી આર જાદવે તમામ વિગતો એકત્રિત કર્યા બાદ ડ્રગ્સ એડિક્ટ યુવકને સુધારવા માટે તેની માતા અને બહેનની મદદ લઇ સોમાતળાવ વિસ્તારના વ્યસન મુક્તિ કેન્દ્ર પર તેને દાખલ કરાવ્યો છે.