સ્ટેશન પર મહેમાનને છોડીને યુવક પરત ઘરે જતો હતો
Updated: Jan 9th, 2024
વડોદરા,વાઘોડિયા તાલુકાના રવાલ ગામે રહેતો યુવક દારૃના નશામાં કાર લઇને નીકળતા પોલીસના હાથે સૂરસાગર તળાવ નજીકથી ઝડપાઇ ગયો હતો. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ટ્રાફિક પોલીસની વાન ગઇકાલે સાંજે સાડા સાત વાગ્યે ન્યાયમંદિર પદ્માવતી શોપિંગ સેન્ટર પાસેથી પસાર થતી હતી. તે સમયે એક કાર ચાલક સૂરસાગર તળાવ તરફથી લાલકોર્ટ થઇ પદ્માવતી શોપિંગ સેન્ટર તરફ જોખમી રીતે ડ્રાઇવિંગ કરીને આવતો હોવાથી તેને રોક્યો હતો. પોલીસે તપાસ કરતા કાર ચાલકનું નામ હિરેનકુમાર હરેશભાઇ પટેલ, ઉ.વ.૪૧ ( રહે. રવાલ ગામ, તા.વાઘોડિયા, જિ.વડોદરા) હોવાનું જાણવા મળ્યું હતું. હિરેન દારૃના નશામાં હોવાનું જણાતા તેને રાવપુરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. રાવપુરા પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે, કાર ચાલક હિરેન પટેલ ખેતી કામ કરે છે. તે સ્ટેશન પર મહેમાનને છોડવા માટે ગયો હતો. ત્યાંથી પરત આવતા સમયે તે પકડાઇ ગયો હતો.