અન્ય ત્રણ મિત્રોને ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા
Updated: Jan 9th, 2024
વડોદરા,શહેર નજીકના નિમેટા ગામે વાવ નજીકના ટીપી રોડ પરના ડિવાઇડરના કટ પાસે ઉભેલા ચાર મિત્રો ઉભા રહીને વાતચીત કરતા હતા. તે સમયે કાળ બનીને આવેલા ડમ્પરના ચાલકે તેઓને અડફેટે લેતા ચારેયને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પૈકી એકનું મોત નિપજ્યું હતું. અકસ્માત કરીને ભાગી છૂટેલા ડમ્પર ચાલકની વાઘોડિયા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
વાઘોડિયા તાલુકાના નિમેટા ગામે રહેતા ૨૦ વર્ષના હિમાંશુ સુનિલભાઇ સોલંકીની આજે બર્થડે હતી.જેથી, તેણે નોકરી પર રજા રાખી હતી. આજે ચાર વાગ્યે તે ઘરેથી બાઇક લઇને નિમેટા ગામ વાવ પાસે મંદિરે દર્શન કરીને વાવ પાસે રોડના ડિવાઇડરના કટ નજીક અન્ય મિત્રો હાર્દિક નારાયણભાઇ ઠાકોર, ઉ.વ.૧૯ ( રહે. નિમેટા ગામ) , રિતેશ ફૂલસિંહ પરમાર, ઉ.વ.૧૯ ( રહે. ઇટોલી ગામ, નવી નગરી) તથા આશિષ રાજેશભાઇ પરમાર, ઉ.વ.૨૧ (રહે. ગુગલીયાપુરા ગામ) સાથે ઉભો હતો. તે દરમિયાન માટી ભરેલું ટેન્કર પૂરઝડપે આવ્યું હતું. ડમ્પરના ડ્રાઇવરે વાતચીત કરતા મિત્રો પર ડમ્પર ચઢાવી દીધું હતું. ચારેય મિત્રોને ગંભીર ઇજા થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન હિમાંશુનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય મિત્રોની હાલત ગંભીર છે. બનાવ અંગે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વધારે ફેરા મારવાની લ્હાયમાં ડમ્પર ચાલકો લોકોના જીવ જોખમમાં મૂકે છે
વડોદરા,સ્થાનિક રહીશોનું કહેવું છે કે, ડમ્પર ચાલકો માટીના ફેરા મારે છે. વધુ ફેરા મારવાની લાલચમાં તેઓ પૂરઝડપે વાહનો હંકારતા હોવાથી આવા અકસ્માતો થાય છે. પોલીસનું કહેવું છે કે, આ સ્થળે નવા ટીપી રસ્તા પડયા છે. ડમ્પર ચાલકે વળાંક લેવા જતા ચારેય મિત્રોને અડફેટે લીધા હતા. ડમ્પર લઇને ભાગી ગયેલા ડ્રાઇવરને પકડવા માટે પોલીસે નજીકમાં આવેલી સાઇટના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી છે.