Chaitar Vasava On Zaghdiya Incident : ગુજરાતમાં મારામારી, હત્યા, દુષ્કર્મ સહિતની ઘટનાએ લોકોને ચોંકાવી નાખ્યા છે. ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને લઈને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરાની સયાજી હોસ્પિટલમાં પીડિતા-પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ‘ચાલુ વર્ષમાં નાબાલિક બાળકીઓ સાથે દુષ્કર્મની 648 ઘટના ઘટી છે. આ પ્રકારની ઘટના ફરી ન સર્જાય તે માટે નરાધમોને ફાંસીની સજા આપવી જોઈએ.’
વડોદરાની સયાજી હોસ્પિટલ પહોંચ્યા આપના ધારાસભ્ય
ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ પીડિતાની વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકીની હાલત નાજુક છે, ત્યારે ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા હોસ્પિટલ પહોંચીને પીડિતાના પરિવાર અને ડૉક્ટરો સાથે મુલાકાત કરી હતી. દુષ્કર્મની ઘટના અંગે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ‘જાન્યુઆરી 2024થી અત્યારસુધીમાં ગુજરાતમાં નાબાલિક બાળકીઓ પર દુષ્કર્મની 648 ઘટનાઓ ઘટી છે.’
આ પણ વાંચો: સાવરકુંડલામાં તસ્કરોએ પહેલાં માતાજીના દર્શન કર્યા અને પછી આભૂષણો ઉઠાવી ગયા
ધારાસભ્યએ જણાવ્યું કે, ‘આ ઘટનામાં સંડોવાયેલા નરાધમો સામે સરકારે શું કાર્યવાહી કરી તેનો સરકાર જવાબ આપે, ગૃહમંત્રી શેખી મારવાના બદલે રાજીનામું આપે. ગુજરાતમાં મહિલા સલામતી, બેટી બચાવો-બેટી પઢાવોની વાતો થાય છે, પરંતુ ગુજરાત જ સુરક્ષિત નથી. ચાલુ વર્ષે આવી નીંદનીય ઘટનાઓને લઈને સરકારે લોકોને જવાબ આપવો પડશે.’
આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસની આબરુના ધજાગરા ઉડાડનાર લુખ્ખાઓ સામે બુલડોઝરવાળી, ગેરકાયદે મકાનો ધ્વસ્ત
તેમણે જણાવ્યું કે, ‘બીજા રાજ્યોમાં જ્યારે આવી ઘટનાઓ બને છે, ત્યારે સરકાર બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓને સલાહ આપવા નીકળે છે. લાંબા-લાંબા ટ્વિટ અને કેન્ડલ માર્ચ કરે છે, પરંતુ આપણે ત્યાં ઘટતી ઘટનાને લઈને એક પણ નેતા અને સરકારી અધિકારી કશું બોલવા તૈયાર નથી. તેમણે મૌન સેવી લીધું છે. રાજ્યમાં દુષ્કર્મની ઘટનામાં સરકારે આરોપીને દાખલારૂપ સજા કરવી જોઈએ. આવા નરાધમોને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગણી કરી હતી.’