વડોદરા,અભિનવ ગોલ્ડ ઇન્ટરનેશનલના નામે ઓફિસ ખોલી વિવિધ સ્કીમો બહાર પાડી રોકાણકારોને લલચાવી ૭૧.૨૨ લાખ પડાવી લેવાના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા કંપનીના ડાયરેક્ટરને ડીસીબીએ અમદાવાદ ખાતેથી ઝડપી પાડયો છે.
અભિનવ ગોલ્ડ ઇન્ટરનેશનલ માર્કેટિંગ લિ.ના ડાયરેક્ટર (૧) એમ.ડી.બીરલા (૨) અનિલ બીરલા તથા (૩) સંજય બીરલા (ત્રણેય રહે. માંડલ, ભીલવાડા, રાજસ્થાન) તથા તેમના મળતીયાઓએ અભિનવ ગોલ્ડ ઇન્ટરનેશનલ પ્રા.લિ. નામની કંપની ખોલી રોકાણકારો માટે લોભામણી સ્કીમો મૂકી હતી. આરોપીઓએ રેસકોર્સ તથા રાવપુરા ખાતે ઓફિસો ખોલી હતી. તેમની કંપની દુબઇ ખાતે કોર્પોરેટ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ધરાવતી હોવાનું જણાવી ગોલ્ડ શો રૃમ શરૃ કર્યો હતો.રોકાણકારોને આકર્ષવા વિવિધ સ્થળે સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું હતું. રોકાણકારોના રૃપિયા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી ડી.ડી. દ્વારા તથા કંપનીના બેન્ક એકાઉન્ટમાં ઓનલાઇન ભરાવડાવ્યા હતા. આરોપીઓએ તા.ઓક્ટોબર ૨૦૨૧૦ થી જુલાઇ ૨૦૧૧ સુધી કુલ ૨૨ રોકાણકારો પાસેથી ૭૧.૨૨ લાખ પડાવી લીધા હતા. રોકાણકારોને સ્કીમ મુજબ વળતર નહીં આપી આરોપીઓએ ઓફિસને તાળા મારી દીધા હતા. આ અંગે વર્ષ – ૨૦૧૨ માં ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આરોપીને પકડવા માટે પોલીસે તેના મૂળ વતન રાજસ્થાન ખાતે તપાસ કરી હતી. પરંતુ, આરોપી મળી નહીં આવતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન ડીસીબી પોલીસને માહિતી મળી હતી કે, આરોપી અમદાવાદ શહેરમાં પોતાના પુત્રના ઘરે આવ્યો છે. જેથી, ક્રાઇમ બ્રાંચના પી.આઇ. આર.જી. જાડેજાની સૂચના મુજબ પોલીસની ટીમે અમદાવાદ જઇ આરોપી સંજય શંકરલાલ બીરલા (રહે. માંડલ ગામ,જિ.ભીલવાડા, રાજસ્થાન હાલ રહે. આર.સી.વ્યાસ કોલોની, ભીલવાડા, રાજસ્થાન) ને ઝડપી પાડયો હતો.