M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવાની માગ સાથે એબીવીપીના કાર્યકરોએ આજે યુનિવર્સિટી માથે લીધી હતી.
એબીવીપીના કાર્યકરોએ ‘વીસી હાય હાય’ ના નારા સાથે પ્રાંગણમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. કાર્યકરો હેડ ઓફિસમાં પ્રવેશી ના જાય તે માટે મુખ્ય દરવાજાને તાળું મારી દેવામાં આવ્યું હતું અને સિક્યુરિટી ખડકી દેવામાં આવી હતી.
આમ છતાં વિદ્યાર્થીઓ હટવાના મૂડમાં નહોતા. વિદ્યાર્થીઓએ સૂત્રોચાર ચાલુ રાખ્યા હતા અને વીસીને બહાર બોલાવવાની માંગ કરી હતી. સ્થિતિ વધારે વણસે તેમ લાગતા યુનિવર્સિટી હેડ ઓફિસના ગેટ ખોલીને બે થી ત્રણ આગેવાનોને અંદર આવવાની પરવાનગી અપાઈ હતી. જોકે વીસી તો વિદ્યાર્થીઓને મળ્યા જ નહોતા. પરંતુ રજીસ્ટારે આ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી અને સોમવારે પદવીદાન સમારોહની સંભવિત તારીખ જાહેર કરવાની ખાતરી આપી હતી.