કલ્યાણપુરાથી ગણપતપુરા જતી વખતે અકસ્માતમાં મૃતકના પિતરાઇને ઇજા ઃ ટ્રકચાલક ફરાર
Updated: Dec 16th, 2023
વડોદરા, તા.16 દુમાડ-વિરોદરોડ પર એક વળાંક પાસે પૂરપાટઝડપે આવતી ટ્રકે એક સ્કૂટરને ટક્કર મારતાં તેના પર સવાર એક યુવતીનું કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે તેના પિતરાઇભાઇને ઇજા થતા સારવાર માટે ખસેડયો હતો.
આ અંગેની વિગત એવી છે કે સાવલી તાલુકાના કલ્યાણપુરા ગામમાં રહેતા દશરથ મોહનભાઇ ઠાકોર ખેતીકામ સાથે સંકળાયેલા છે. ગઇકાલે બપોરે તેમનો ભાણેજ હિતેશ ઉર્ફે ગોપાલ દશરથભાઇના ઘેર આવ્યો હતો અને દશરથભાઇનું સ્કૂટર લઇને નીકળ્યો હતો. આ વખતે દશરથભાઇની ૧૯ વર્ષની પુત્રી સંજના પણ હિતેશની સાથે સ્કૂટર પર ગણપતપુરા જવા માટે નીકળી હતી.
સ્કૂટર દુમાડથી વિરોદરોડ પર જઇ રહ્યું હતું ત્યારે વિશ્વામિત્રી નદીના બ્રિજ પાસેના નાળા પાસે સામેથી આવતી એક ટ્રકે જોરદાર ટક્કર સ્કૂટરને મારતાં બંને ભાઇ-બહેન રોડ પર પટકાયા હતાં. બંનેને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતાં જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સંજનાનું કરૃણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક સંજનાના પિતા દશરથભાઇની ફરિયાદના આધારે અકસ્માત કરીને ફરાર થઇ ગયેલા ટ્રકચાલકની મંજુસર પોલીસે તપાસ હાથ ધરી છે.