Image Source: Freepik
ટ્રેનમાં મુસાફરી કરતી 16 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને રાવપુરા પોલીસે ઝડપી પાડી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
માતા – પિતાના મૃત્યુ પછી કાકા સાથે રહેતી 16 વર્ષની કિશોરીએ સરકારી સ્કૂલમાં ધો. 8 સુધીનો અભ્યાસ કર્યો છે. ગત તા. 13મી એ કિશોરી કપડા સુકવવા માટે ઘરની બહાર નીકળી રેલવે ફાટક પાસે ગઇ હતી.ત્યારબાદ તે ગૂમ થઇ જતા પરિવાર દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાન કિશોરી ટ્રેનમાં બેસીને મુંબઇ પહોંચી ગઇ હતી.
મુંબઇ પોલીસે ચાઇલ્ડ વેલફેર અને સામાજીક સંસ્થાની મદદથી કિશોરીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, હું ટ્રેનમાં આવતી હતી. ત્યારે બેડ પર ચાદર પાથરવાનું કામ કરતા યુવકે મને તેની સાથે રાખવાની તેમજ મદદ કરવાની ખાત્રી આપી હતી. ત્યારબાદ તેણે મારી સાથે દુષ્કર્મ કર્યુ હતું. જે અંગેની જાણ થતા મુંબઇ પોલીસે વડોદરા પોલીસને જાણ કરી હતી. મુંબઇ પોલીસે ટેકનિકલ સોર્સ મારફતે તપાસ કરીને આરોપી મહેન્દ્રસિંહ માનસિંહ સિંધીયા (રહે. સીક લાઇન, રેલવે યાર્ડ, બાંદ્રા રેલવે સ્ટેશન પાસે, બાંદ્રા, મુંબઇ મૂળ રહે. તલાવલી ગામ, જિ. ઝાલાવાડ, રાજસ્થાન)ને શોધી કાઢ્યો હતો. આરોપીને વડોદરા પોલીસને હવાલે કરતા રાવપુરા પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલ ડી.જે. નાળિયેરીવાળાની રજૂઆતો ધ્યાને લઇ અદાલતે આરોપીના મંગળવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.