Updated: Dec 8th, 2023
Image Source: Freepik
વડોદરા, તા. 08 ડિસેમ્બર 2023 શુક્રવાર
છેતરપિંડીના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્કોડની ટીમે જામ્બુઆ બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો હતો. તેને આગળની કાર્યવાહી માટે મકરપુરા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો છે. ક્રાઇમ બ્રાન્ચના પરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ કે જે વસાવા તેમના ટીમના માણસો સાથે વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપીઓના ઝડપી પાડવા માટે તપાસ કરી રહી હતી. મકરપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલાો હિતેશ ગંગારામ પંચાલ ગુનો કર્યા બાદ છેલ્લા છ વર્ષથી પોલીસ ધરપકડથી બચવા માટે ફરાર હતો. દરમિયાન હાલમાં ક્રાઇમ બ્રાન્ચને હાલમાં આરોપી વડોદરા શહેરમાં રહેવા માટે આવ્યો હોવાની માહિતી મળી હતી. જેથી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરતા આરોપી જામ્બુઆ બ્રિજ પાસે હાજર હોવાની બાતમી મળતા પોલીસે સ્થળ પર પહોચી આરોપી હિતેશ ગંગારામ પંચાલને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે મકરપુરા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે હિતેશ પંચાલે કલમેશ પંચાલ સાથે મળી પાર્થ કંપનીના કોમ્પ્રેસર 69 હજારમાં લીધા હતા પરંતુ તેની ચૂકવણી પેટે બંધ એકાઉન્ટનો ચેક આપી છેતરપિંડી આચરી હતી.