વડોદરા,રોડ પર ચાલતી જતી મહિલાઓના મોબાઇલ ફોન ઝૂંટવી લેનાર આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડી ત્રણ મોબાઇલ ફોન કબજે કર્યા છે.
૧૭ દિવસ અગાઉ પ્રતાપગંજ ગર્લ્સ હોસ્ટેલ પાસે રોડ પર, ફતેગંજ વિસ્ટા કન્સટ્રક્શન સાઇટ પાસે તથા સયાજીગંજ તુલસી હોટેલ આગળ રોડ પરથી પસાર થતી ત્રણ યુવતીઓને હાથમાંથી બાઇક સવાર આરોપીઓએ મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હતો. જે અંગે સયાજીગંજ તથા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પોલીસે ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી આ ગુનામાં સંડોવાયેલા આરોપીને ખંડેરાવ માર્કેટ પાસેના રોડ પરથી સનેસભાઇજોરસીંગભાઇ દેવધા (રહે. આશાપુરી સોસાયટી, નવી નગરી, સયાજીપુરા) ને ઝડપી પાડયો હતો. આરોપી પાસેથી જુદી – જુદી કંપનીના મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે, મારા સાથીદાર રાજા મિનેષભાઇ ડામોર (રહે. ખોડિયાર નગર, વડોદરા, મૂળ રહે. દાહોદ) સાથે મળીને ત્રણ મહિલાઓના મોબાઇલ ફોન ઝૂંટવી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી ત્રણ મોબાઇલ અને એક બાઇક મળી કુલ રૃપિયા ૭૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજા ડામોર નવ દિવસથી દેવગઢ બારિયાની સબ જેલમાં હોવાનું જાણવા મળ્યું છે. રાજા ડામોર સામે અગાઉ ચોરી, ચીલઝડપ, લૂંટ, અપહરણ, દુષ્કર્મ, આર્મ્સ એક્ટ તથા એન.ડી.પી.એસ.ના મળી કુલ ૧૮ ગુનાઓ નોંધાયા છે.