Updated: Dec 15th, 2023
– વોર્ડ નંબર 8માં ખોદકામને લીધે એક બાજુ નો રોડ બંધ
– કામગીરી વેળાસર પૂર્ણ કરવા માંગ
વડોદરા, તા. 15 ડિસેમ્બર 2023, શુક્રવાર
શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહીવટી વોર્ડ નંબર 8 માં 26 વર્ષ બાદ ડ્રેનેજ લાઈન ની કામગીરી 89. 47 લાખના ખર્ચે થઈ રહી છે. અત્યાર સુધી આ વિસ્તારમાં ડ્રેનેજ લઈને નહીં હોવાથી લોકો ખાળકુવાના સહારે હતા અને કોર્પોરેશનમાં ડ્રેનેજ લાઈનની સુવિધા આપવા માંગણી કરી રહ્યા હતા. જોકે હાલ કામગીરી મોટી હોવાથી લાંબી ચાલશે તેવું ખોદકામના આધારે જણાઈ રહ્યું છે. કામગીરીને લીધે ટ્રાફિકથી વ્યસ્ત એક બાજુનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે અને એક જ રોડ ઉપર આવજા થતી હોવાથી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. 26 વર્ષ બાદ ડ્રેનેજની સુવિધા મળવાની હોવાથી લોકો તકલીફ રહેવાની સાથે સાથે આ કામગીરી જલ્દી પૂરી કરવા માંગણી કરી રહ્યા છે. કારણ કે આ વિસ્તારમાં મોટી શાળાઓ આવેલી છે, અને શાળાના બાળકો પણ ડ્રેનેજ લાઈનની કામગીરી માટે કરેલા ખોદકામને કૂદીને પસાર થાય છે.
સાંજે ભારદારી વાહનો હાલ ચાલુ રહેલા એક જ માર્ગ પર દોડતા હોવાથી જોખમ રહે છે તેમ આ વિસ્તારના રહીશો જણાવે છે. મધુનગર વિસ્તારમાં જનકપુરી, અયોધ્યા નગર, નહેરુ પાર્ક થી મધુનગર ચાર રસ્તા સુધી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરીની વહીવટી મંજૂરી વર્ષ 2022 માં અપાઈ હતી ,અને આ માટે ટેન્ડરો બે પ્રયત્ને આવ્યા હતા. જેમાં અંદાજ કરતા 17.18% વધુ ભાવનું 89.47 લાખનું ટેન્ડર ગયા એપ્રિલમાં મંજૂર કરવામાં આવ્યું હતું. આ કામગીરી નો ખર્ચ વર્ષ 2020-21 ની વ્યવસાય વેરાની ગ્રાન્ટ માંથી કરવામાં આવી રહ્યો છે.