Vadodara Surya Kiran AIR Show : વડોદરાના આકાશમાં આજે ફરી એક વખત ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે પોતાના વિમાનો સાથે હેરતઅંગેજ આકાશી કરતબો દર્શાવીને વડોદરાના લોકોને રોમાંચિત કર્યા હતા.
બે વર્ષ બાદ આજે ફરી એક વખત સૂર્યકિરણ ટીમનો એર શો દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયો હતો. કોરોનાના સમયને બાદ કરવામાં આવે તો વડોદરામાં સરેરાશ બે થી ત્રણ વર્ષે એક વખત સૂર્યકિરણ ટીમ ધમાકેદાર એર શો માટે આવતી હોય છે પરંતુ આ વખતે એર શો નિહાળવા માટે અભૂતપૂર્વ જન મેદની ઉમટી પડી હતી. દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં આમંત્રિતોને જ એન્ટ્રી હતી પરંતુ તેની નજીકના પાંજરાપોળની બાજુના વિશાળ મેદાનમાં પણ લોકો એર શો નિહાળી શકે તે માટે પાર્કિંગ સાથે જગ્યા રખાઈ હતી. અહીંયા હજારો લોકો જમા થયા હતા. એટલું જ નહી ગોલ્ડન ચોકડીથી આજવા ચોકડી સુધીના નેશનલ હાઈવે નંબર આઠ પર પણ લોકોએ ઉભા રહીને આ શો નિહાળ્યો હતો.
સૂર્યકિરણ ટીમના પાયલોટોએ પણ લોકોને નિરાશ કર્યા નહોતા. નવ વિમાનોની ટીમે ડીએનએ, બાર્બ્ડ વાયર ક્રોસ, આલ્ફા ક્રોસ, ઈન્વર્ટડ વીક, હિડન સ્પ્લિટ જેવા આકાશી કરતબો દર્શાવીને લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.
લગભગ 20 થી 25 મિનિટ સુધી ચાલેલા એર શોના પગલે વડોદરાનું આકાશ વિમાનોના અવાજથી ગાજતું રહ્યું હતું. લોકોની ભારે ભીડના કારણે એર શો પૂરો થયા બાદ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
72 શહેરોમાં 700 એર શો
સૂર્યકિરણ ટીમની સ્થાપના વાયુસેનાને પ્રમોટ કરવા માટે 1996માં થઈ હતી. વાયુસેનાની 52મી સ્કવોડ્રનનો આ ટીમ એક ભાગ છે. સૂર્યકિરણ ટીમ કર્ણાટકના બિડર એરફોર્સ સ્ટેશન ખાતે તૈનાત છે. જ્યાં તેના પાયલોટસ 6 મહિના સુધી ટ્રેનિંગ અને બીજા 6 મહિના અલગ અલગ શહેરોમાં એર શો કરે છે. અત્યાર સુધીમાં સૂર્યકિરણ ટીમ 72 શહેરોમાં 700 ઉપરાંત એર શો કરી ચૂકી છે. આ ટીમમાં સામેલ થનાર દરેક પાયલોટ અલગ અલગ પ્રકારના ફાઈટર જેટસ ઉડાવવાનો 1500 કલાક કરતા પણ વધારે અનુભવ ધરાવે છે. ટીમના હાલના લીડર ગ્રુપ કેપ્ટન અજય દશરથી છે. શરુઆતમાં સૂર્યકિરણ ટીમમાં એચજેટી કિરણ નામના ટ્રેનર વિમાનો હતો. હવે આ ટીમ હોક એમકે-132 તરીકે ઓળખાતા એડવાન્સ જેટ ટ્રેનરનો ઉપયોગ કરે છે. આજે પણ આ ટીમે સરેરાસ 250 થી 800 કિલોમીટરની ઝડપે વિવિધ પ્રકારના આકાશી દાવપેચ દર્શાવ્યા હતા.
વડોદરાવાસીઓનો આભાર, ટીમ લીડરનુ વિમાનમાંથી લોકોને સંબોધન
એર શો દરમિયાન એરફોર્સની કોમેન્ટ્રી ટીમે ગ્રુપ કેપ્ટન અજય દશરથી સાથે સંપર્ક સાધ્યો હતો અને ચાલુ શો દરમિયાન વિમાનની કોકપિટમાંથી ટીમ લીડરે ગુજરાતીમાં આભાર માનીને લોકોને ખુશ કરી દીધા હતા.