વડોદરા,શહેરમાં સતત ગુનાઇત પ્રવૃત્તિઓ કરતી કાસમઆલા ગેંગ સામે પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ગેંગના એક સાગરીતે જામીન પર મુક્ત થવા માટે કોર્ટમાં કરેલી અરજી નામંજૂર થઇ છે.
કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતા નામચીન હુસેન કાદરમીંયા સુન્નીએ તેના સાથીઓ સાથે મળીને કાસમઆલા ગેંગ નામે સંગઠિત ગુના આચરતી ટોળકી ( ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટ ) બનાવી શહેરમાં શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કર્યુ હતું. ટોળકીના સાગરીતોએ એકલા અને સંયુક્ત રીતે મળીને કુલ ૧૬૪ ગુનાઓ આચર્યા છે. આરોપીએ એકલા અને ટોળકી બનાવી કુલ ૩૦ ગુનાઓ કર્યા છે. ગુજસીટોક એક્ટ અમલમાં આવ્યો એટલે કે, ૧ લી ડિસેમ્બર ૨૦૧૯ પછી હાલના આરોપી સામે કુલ ૮ ગુનાઓ નોંધાયા છે. જે પૈકી ૪ ગુનાઓમાં ત્રણ વર્ષથી વધુ સજાની જોગવાઇ છે. કાસમઆલા ગેંગના સાગરીતોના છેલ્લા એક વર્ષના સી.ડી.આર. મંગાવતા તમામ સભ્યો એકબીજાના સતત સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. આરોપી વિરૃદ્ધ ૬ વખત પાસા અને ૨ વખત તડિપાર હેઠળ અટકાયતી પગલાની કાર્યવાહી થઇ છે. તેમછતાંય ગુનાઇત પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. સરકાર તરફે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટર આર.એન. પંડયાએ વધુમાં એવી રજૂઆત કરી હતી કે, જો આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવશે તો બહાર આવીને કેસને નુકસાન કરશે.
ગુજસીટોક કોર્ટના સ્પેશ્યલ જજ જે.એલ. ઓડેદરાએ આરોપીની જામીન અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે, અરજદાર વિરૃદ્ધ નોંધાયેલા ગુનાઓનું પ્રમાણ ધ્યાને લેતા તથા તેની વિરૃદ્ધ પાસા તથા તડિપાર જેવા અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે. તેથી તેઓને કોઇ ખોટી શંકાના આધારે સંડોવી દીધા હોવાનું માની શકાય નહીં.ગુજસીટોક કાયદામાં સમાવિષ્ટ ત્રિપલ ટેસ્ટના સિદ્ધાંતોમાં પણ આરોપી ઉત્તીર્ણ થતા નથી. આ ગુનાની તપાસ ચાલુ છે. તેવા સંજોગોમાં આરોપીને જામીન આપી શકાય નહીં.